New Delhi,તા.11
દેશના વ્યાપારી પાટનગર મુંબઈમાં જે રીતે રીયલ એસ્ટેટના જંગી સોદા થઈ રહ્યા છે તેમાં હવે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાએ પણ ઝંપલાવ્યું છે. જેમાં દેશની આ મધ્યસ્થ બેન્ક મુંબઈના પોશ ક્ષેત્રમાં 16832 સ્કવેર-મીટરનો પ્લોટ રૂા.3472 કરોડના ખર્ચે ખરીદશે.
જયાં આરબીઆઈની નવી હેડ ઓફિસ બનશે. બેન્કે આ માટે મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશન સાથે કરાર કર્યા છે જે આ જમીનની માલીકી ધરાવે છે. મુંબઈમાં વિધાનસભા ભવન મેટ્રો સ્ટેશન પાસે જ કોર્નરમાં મીતલ ટાવર પાસે આ પ્લોટ આવેલો છે.
એક સમયે અહી એનસીપી તથા શિવસેનાની ઓફિસ હતી. મેટ્રો રેલ કોર્પોરેશને ગત વર્ષે આ પ્લોટ વેચવા માટે જાહેર દરખાસ્ત કરી હતી. જો કે તે રહસ્યમય કારણે પાછી ખેંચી લીધી બાદમાં રિઝર્વ બેન્કે પ્લોટ ખરીદવા દરખાસ્ત કરી છે અને તે મેટ્રો રેલવે બોર્ડએ સ્વીકારી લીધી છે.
ટેન્ડર પ્રક્રિયા રદ થઈ છે અને લીઝની સંભવિત રૂા.5173 કરોડની આવક છતા રિઝર્વ બેન્કની નીચા ભાવની દરખાસ્ત સ્વીકારાઈ છે. કારણ કે તે બે સરકારી સંસ્થાઓ વચ્ચે સોદો છે. 2017માં તે મેટ્રો રેલને સુપ્રત થયો તે સમયે ત્યાં ડેવલપમેન્ટની યોજના હતી જે પડતી મુકાઈ છે.