Junagadh,તા.11
ડો. સુભાષ મહિલા કોલેજ ખાતે વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસની ઉજવણી ઉલ્લાસપૂર્વક તથા સંવેદનાશીલતાથી યોજાઈ હતી. વિશ્વવ્યાપી સ્તરે માનવજીવનને આત્મહત્યાથી બચાવવા માટે ઉજવાતો આ દિવસ જૂનાગઢમાં પણ વિદ્યાર્થી જાગૃતિ અર્થે મનાવવામાં આવ્યો હતો.
કાર્યક્રમની શરૂઆત પરંપરાગત દીપ પ્રાગટ્ય અને સ્મરણાંજલિ ગાનથી કરવામાં આવ્યો. આ પ્રસંગે કોલેજના આચાર્ય ડો. બલરામ ચાવડાએ મુખ્ય અતિથીવિશેષ ડો. તન્વીબેન કાચા (મનોચિકિત્સક, ત્રિમૂર્તિ હોસ્પિટલ, જૂનાગઢ)નું પુષ્પગુચ્છ અને પુસ્તક આપી સ્વાગત કરવામાં આવેલ. દર વર્ષે 10 સપ્ટેમ્બરના રોજ સમગ્ર વિશ્ર્વમાં વિશ્ર્વ આત્મહત્યા નિવારણ દિવસ મનાવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ છે.
લોકોમાં આત્મહત્યા (Suicide) જેવી ગંભીર સામાજિક અને આરોગ્ય સમસ્યા અંગે જાગૃતિ લાવવી, માનસિક આરોગ્ય વિશે સંવાદ શરૂ કરવો અને આત્મહત્યાના કેસોમાં ઘટાડો લાવવા માટે સમાજને જોડવો.આ દિવસ ઇન્ટરનેશનલ એસોસિએશન ફોર સુસાઇડ પ્રિવેન્શન (IASP) દ્વારા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) અને અન્ય સંસ્થાઓના સહયોગથી ઉજવવામાં આવે છે.
આચાય ડો. બલરામ ચાવડાએ પોતાના ઉદબોધનમાં જણાવ્યું કે આજના સમયમાં યુવાનો અને વિદ્યાર્થીઓ માનસિક દબાણ, સ્પર્ધા, તણાવ અને એકલતાના કારણે અનેક મુશ્કેલીઓનો સામનો કરે છે. આવા સમયે તેઓને યોગ્ય માર્ગદર્શન, પરિવારનો સહકાર અને સમાજની સંવેદના મળી રહે તો અનેક જીવન બચાવી શકાય છે. માનસિક આરોગ્યને શારીરિક આરોગ્ય જેટલું જ મહત્વ આપવામાં આવે એ જરૂરી છે.
મુખ્ય અતિથિવિશેષ તરીકે ઉપસ્થિત રહેલા ડો. તન્વીબેન કાચાએ “વાત કરો અને જીવન બચાવો” વિષય પર પોતાની વાત રજૂ કરી. તેમણે જણાવ્યું કે, “જીવનની મુશ્કેલીઓને એકલા સહન કરતાં કરતાં વ્યક્તિ તૂટી પડે છે, પરંતુ જો તે પોતાના પરિવારજનો કે મિત્રોને દિલની વાત કહી શકે, તો ઘણા અંધકારમય વિચારો દૂર થઈ શકે છે. મૌન કરતાં સંવાદ શ્રેષ્ઠ ઉપાય છે.
સમાજમાં સહકાર અને સંવેદનશીલતા વધે તો આત્મહત્યાના કેસોમાં ઘટાડો શક્ય છે.ટ્રસ્ટના પ્રમુખ જવાહરભાઈ ચાવડા તથા મીતાબેન ચાવડાએ આ કાર્યક્રમ માટે હર્ષ વ્યક્ત કર્યો અને સંસ્થામાં વિદ્યાર્થીઓને માનસિક તેમજ સામાજિક રીતે સશક્ત બનાવતા આવા કાર્યક્રમો યોજાવા બદલ શુભેચ્છા પાઠવી. કાર્યક્રમનું સંચાલન ડો.અશોકભાઈ કંટારીયા અને આભાર દર્શન કિરણબેન નિમ્બાર્ક એ કરેલ હતું.