મકાનનું તાળું તોડી સોના-ચાંદીના ઘરેણાં, રોકડ, તેલનો ડબ્બો તસ્કર ઉઠાવી ગયો
Rajkot,તા.01
તહેવારો નજીક આવતા જ શહેરમાં તસ્કરો સક્રિય થયાં છે ત્યારે ચોરીના વધુ બે બનાવ સામે આવ્યા છે. વિરડા વાજડઅ ફક્ત એક દિવસ માટે બંધ રહેલા મકાનમાં તસ્કરો ત્રાટક્યાં હતા. તસ્કરો તિજોરીમાંથી સોના-ચાંદીના ઘરેણાં, 62 હજારની રોકડ, તેલનો ડબ્બો સહીત ત્રણ લાખની મતા ઉઠાવી ગયા હતા. જયારે ચોરીના અન્ય બનાવમાં મવડી ચોકડી નજીક ગોડાઉનમાંથી રૂ. 1.44 લાખની કિંમતના કોપર વાયર ચોરી તસ્કર ફરાર થઇ ગયો હતો.
ચોરીની ઘટના અંગે વિરડા વાજડીમાં નિરાલી રિસોર્ટવાળા રસ્તે સાસુ રામબેન અમરશીભાઇ ચાવડાના મકાનમાં ભાડેથી રહેતાં અતુલભાઇ ભરતભાઈ પરમારે (ઉ.વ.૩૧)ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ પત્નિ અને દિકરી સાથે રહે છે. પોતે પ્રાઇવેટ નોકરી કરે છે. એક વર્ષથી તે સાસુ રામબેનના મકાનમાં રહે છે. યુવાને ફરિયાદમાં જણાવ્યું છે કે, તા. ૩૦/૦૮ ના રોજ સવારના દસ વાગ્યાના અરસામાં ઘરમાં તાળું મારીને પત્ની ઉષાબેન અને ૩ વર્ષની દીકરી એન્જલ સાથે જન્માષ્ટમીનો તહેવાર આવી રહ્યો હોઈ જેથી મોરબી રોડ પર આવેલા ગણેશનગર ખાતે કાકા દિલીપભાઈના ઘરે ગયા હતા.
ગઇકાલે ૩૧/૮ના રોજ સવારના અગિયાર વાગ્યે પાડોશી મંજુબેન ચૌહાણે અતુલભાઈના પત્નિને ફોન કરીને જાણ કરી હતી કે, તમારા ઘરનો મેઈન દરવાજો ખુલ્લો છે અને તેના પર તાળું નથી. જેથી અતુલભાઈ પોતાના પિતરાઈ ભાઈ દર્શન પરમાર સાથે તુરંત ઘરે દોડી આવ્યા હતા. ઘરે આવીને જોતાં મેઈન દરવાજાનું તાળું ગાયબ હતું અને દરવાજા પાસે એક હથોડો પડેલો મળી આવ્યો હતો. ઘરમાં અંદર જઈને તપાસ કરતાં બંને રૂમ ખુલ્લા હતા અને તિજોરીના દરવાજા તથા લોકર ખુલ્લાં હતાં. તસ્કરે કબાટમાં રહેલો તમામ સામાન અસ્ત-વ્યસ્ત કરી નાખ્યો હતો.
તપાસ કરતાં તસ્કરો ઘરમાંથી રૂ. ૪૮,૦૦૦ની કિંમતની ૪ ગ્રામ સોનાની બુટી તથા રૂ. ૮૭,૦૦૦ ની કિંમતનો ૭.૨૫ ગ્રામનો સોનાનો ચેઈન મળી કુલ ૧,૩૫,૦૦૦ના દાગીના તથા રૂ. ૧,૦૦,૦૦૦ની કિંમતની ૫૦૦ ગ્રામ વજન ધરાવતી ચાંદીની ૨ વાટકી અને બે ચમચી, તેમજ રૂા. ૬૨૦૦૦ રોકડા તથા રસોડામાંથી ૨૮૦૦ની કિંમતનો તેલનો એક ડબ્બો, કબાટમાંથી દસ્તાવેજો, સોના ચાંદીના બીલ, આધાર પુરાવા મળી કુલ રૂા. ૨,૯૯,૮૦૦ની મત્તા ચોરી ગયાનું જાણવા મળ્યું હતું. તસ્કરો ૩૦મીના સવારના દસથી ૩૧મીના સવાર ના અગીયાર સુધી રેઢા રહેલા ઘરમાં ત્રાટકી આ ચોરી કરી ગયા હતાં. ઘટનાને પગલે તાલુકા પોલીસ મથકના પીઆઈ એસ આર મેઘાણી અને પીએસઆઈ એમ એચ મહારાજની ટીમે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ સહિતના આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

