New Delhi,તા.11
હાલમાં જ એવાં અહેવાલ આવ્યાં હતાં કે સલમાન ખાને દેશનાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સાથે મુલાકાત કરી છે. જો કે સલમાન અને રાજનાથ સિંહ શા માટે મળ્યાં હતાં અને બંને વચ્ચે શું વાતચીત થઈ હતી તે જાણી શકાયું ન હતું. હવે આ અંગેની માહિતી સામે આવી રહી છે.
એક મીડિયા રિપોર્ટ મુજબ આ મિટિંગ ફિલ્મનાં શૂટિંગ દરમિયાન પડેલી મુશ્કેલીઓ અંગે હતી. ખરેખર, લદ્દાખમાં ફિલ્મનાં શૂટિંગ માટે યોગ્ય સીઝન ચાલી રહી છે, પરંતુ સમય પણ પૂરો થઈ રહ્યો હતો જ્યારે શૂટિંગમાં થોડી સમસ્યાઓ હતી. આવી સ્થિતિમાં સલમાનની ચિંતા પણ વધી ગઈ હતી. આ સંદર્ભે સંરક્ષણ મંત્રીએ તેમને ખાતરી પણ આપી હતી કે સમસ્યાનો ઉકેલ લાવવામાં આવશે.
રાજનાથ સિંહે એવું પણ કહ્યું છે કે ફિલ્મમાં ચીનને ખોટી રીતે બતાવવું જોઈએ નહીં કારણ કે આ દિવસોમાં ચીન અને ભારત વચ્ચેનાં સંબંધો વધુ સારા થઈ રહ્યાં છે. સલમાન ખાને પણ સંરક્ષણમંત્રીના આ નિવેદનનો સ્વીકાર કર્યો છે અને તેમને કહ્યું છે કે આ ફિલ્મ ચીનની વિરુદ્ધ નથી. જોકે, આ અંગે સત્તાવાર રીતે કંઇ કહેવામાં આવ્યું નથી.
સલમાન ખાને લદ્દાખમાં ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું હોવાનું પણ જાણવા મળ્યું છે. આ સાથે જોડાયેલા કેટલાક ફોટા અને વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યાં છે, જેમાં શૂટિંગ શરૂ થાય તે પહેલાં સેટ પર લાલ કપડાથી ઢંકાયેલી ખુરશી પર ગણપતિની મૂર્તિ મૂકીને ગણપતિની પૂજા કરવામાં આવી હતી.
અન્ય એક વીડિયોમાં સલમાન ડિનર ટેબલ પર જોવા મળી રહ્યો છે. સાથોસાથ આ શિડયુલમાં પહેલો ક્લાઇમેક્સ સીન શૂટ કરવા પર ભાર મૂકવામાં આવ્યો હોવાની માહિતી પણ મળી રહી છે.