જુનાગઢના ભવનાથમાં ચાલતા જિલ્લા પ્રમુખ પ્રશિક્ષણ શિબિરમાં ઉપસ્થિત રહી જિલ્લા પ્રમુખોને આપશે માર્ગદર્શન
Junagadh તા. ૧૧
કોંગ્રેસના રાષ્ટ્રીય અગ્રણી અને લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી આજે તા. ૧૨ ના રોજ જુનાગઢના ટૂંકા પ્રવાસે આવી રહ્યા છે, રાહુલ ગાંધી ચાર્ટર્ડ પ્લેન દ્વારા કેશોદ હવાઈ મથકે ઉતરશે અને ત્યારબાદ કાર માર્ગે જૂનાગઢના ભવનાથ ક્ષેત્રમાં આવેલા રૂપાયતન ખાતે પહોંચશે, અહીં પ્રદેશ કોંગ્રેસે સમિતિ દ્વારા આયોજિત કોંગ્રેસના જિલ્લા પ્રમુખના પ્રશિક્ષણ સંમેલનમાં ઉપસ્થિત રહી કોંગીજનોને માર્ગદર્શન આપશે.
કોંગ્રેસના રાહુલ ગાંધી ગુજરાતના અને ખાસ કરીને જૂનાગઢના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે ગુજરાત સહિત સમગ્ર સૌરાષ્ટ્રના અને જૂનાગઢના કોંગીજનોમાં ભારે ઉત્સાહનો માહોલ ફેલાયો છે. તે સાથે પ્રશિક્ષણ વર્ગમાં જોડાયેલ ગુજરાતના કોંગ્રેસના જિલ્લા પ્રમુખો પણ પોતાના વરિષ્ઠ અને ચાહીતા નેતા રાહુલ ગાંધી પ્રશિક્ષણ સંમેલનમાં ઉપસ્થિત રહી માર્ગદર્શન પૂરું પાડવા આવી રહ્યા છે તેનાથી ગુજરાતના તમામ જિલ્લાના કોંગ્રેસ પ્રમુખોમાં ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે.
આ સાથે આ સંમેલનના આયોજક પ્રદેશ સમિતિના પ્રમુખ સહિતના પ્રદેશ કોંગ્રેસ સમિતિના વરિષ્ઠ નેતાઓ, અને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના પધારેલા મહેમાનોમાં પણ ઉલ્લાસનો માહોલ ફેલાયો છે. અને જુનાગઢ પધારી રહેલા રાહુલ ગાંધીના ઉમળકાભેર આવકાર અને સ્વાગત માટે તડામાર તૈયારીઓ આદરી દેવામાં આવી છે.