Tehran,તા.૧૧
ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનીએ એક મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે આ નિવેદન ત્યારે આપ્યું છે જ્યારે ઈઝરાયલે ૨ દિવસ પહેલા કતારની રાજધાની દોહા અને પછી યમનની રાજધાની સના પર હુમલો કર્યો છે. ખામેનીએ વિશ્વભરના મુસ્લિમ દેશોને અમેરિકા અને ઇઝરાયલ સામે ચેતવણી આપી છે અને તેમને એક થવા સલાહ આપી છે.
ખામેનીએ એકસ પરની તેમની પોસ્ટમાં લખ્યું છે, “પ્રાદેશિક સરકારોએ સમજવું જોઈએ કે અમેરિકા વિશ્વસનીય નથી અને તે ફક્ત તેમને (મુસ્લિમ રાષ્ટ્રો) ઝાયોનિસ્ટ શાસન જાળવી રાખવા અને પ્રદેશમાં તેના સામ્રાજ્યવાદી હિતોને સુરક્ષિત રાખવા માટે એક સાધન તરીકે જુએ છે. અમેરિકા તેમના પૈસા અને લશ્કરી બળનો ઉપયોગ પોતાના સ્વાર્થી હિતો માટે કરે છે. પ્રદેશની સમસ્યાઓનો ઉકેલ રાષ્ટ્રોની એકતા, મુસ્લિમ સરકારોના સહયોગ અને સામ્રાજ્યવાદી ઉદ્દેશ્યો સામે મજબૂત રીતે ઊભા રહેવામાં રહેલો છે.”
આવી સ્થિતિમાં, ઈરાનના સુપ્રીમ લીડરએ હવે તમામ મુસ્લિમ રાષ્ટ્રોને અમેરિકાની યુક્તિ સમજવા અને સાથે ઊભા રહેવાની અપીલ કરી છે. જેથી અમેરિકાની યુક્તિ અને ઇઝરાયલના હુમલાનો સામનો કરી શકાય. અગાઉ, અમેરિકા અને ઇઝરાયલે સાથે મળીને તેહરાનના ૩ પરમાણુ ઠેકાણાઓ પર બોમ્બમારો કર્યો હતો. અમેરિકાએ ઈરાનના ભૂગર્ભ પરમાણુ સુવિધાઓ પર હુમલો કરવા માટે બી-૨ સ્ટીલ્થ બોમ્બર્સનો ઉપયોગ કર્યો હતો, જે લગભગ ૨૦૦ ફૂટની ઊંડાઈ સુધી જઈને માળખાઓને નષ્ટ કરવાની ક્ષમતા ધરાવે છે.
ખામેનીનું નિવેદન ૨ દિવસ પહેલા જ આવ્યું હતું જ્યારે ઇઝરાયલે કતારની રાજધાની દોહામાં મોટો હવાઈ હુમલો કર્યો હતો. ઇઝરાયલે કહ્યું હતું કે તેણે હમાસના નેતાઓને નિશાન બનાવીને આ હુમલો કર્યો હતો. હમાસના કેટલાક ટોચના નેતાઓ ઇઝરાયલ સામે રણનીતિ બનાવવા માટે દોહામાં બેઠક કરી રહ્યા હતા. દરમિયાન, ગુપ્ત માહિતીના આધારે ઇઝરાયલી સેનાએ દોહામાં આ બેઠક સ્થળ પર હુમલો કર્યો હતો. હમાસે પાછળથી કહ્યું હતું કે આમાં તેના ૫ સભ્યો માર્યા ગયા છે, પરંતુ દાવો કર્યો હતો કે મુખ્ય નેતા સુરક્ષિત છે.