બાળકો અને ગેમઝોનના કર્મચારીઓ સહિત 27 લોકો ભડથું થઈ ગયા હતા: બે ભાઈ સહિત 15 સામે ગુનો નોંધાયો હતો
Rajkot,તા.તા.11
રાજકોટ સહિત સમગ્ર દેશમાં ચકચાર જગાવનારા ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં જેલ હવાલે રહેલા જમીન માલીક અશોકસિંહ જાડેજાની જામીન અરજી સેશન્સ અને હાઇકોર્ટે નામંજુર કરતા અશોકસિંહ જાડેજાએ સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. જે ચાલી જતા સુપ્રીમ કોર્ટ દ્વારા જમીન માલીક અશોકસિંહ જાડેજાની જામીન અરજી મંજુર કરવામાં આવી છે. અગ્નિકાંડ કેસમાં અત્યાર સુધીમાં ફાયર ઓફિસર ઇલેશ ખેર, પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયા અને જમીન માલિક અશોકસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે.આ કેસની હકીકત મુજબ રાજકોટમાં કાલાવડ રોડ ઉપર આવેલ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં નાના બાળકો અને ગેમઝોનના કર્મચારીઓ સહિત 27 લોકો ભડથું થઈ ગયા હતા. આ બનાવને ગંભીરતાથી લઇ રાજ્ય સરકાર દ્વારા નિમવામાં આવેલી એસ.આઇ.ટી.ની તપાસમાં આ બનાવવાળી જગ્યાનું ફાયર એનઓસી, બાંધકામ સહિતની અનેક બાબતોમાં મહાપાલિકા સહિતના તંત્રો દ્વારા ગેમઝોનના ભાગીદારો અને તંત્રના જવાબદાર અધિકારીની સાંઠગાંઠ હોવાના કારણે આ દુઃખદ ઘટના બની હોવાનું બહાર આવ્યું હતું. તેથી ટીઆરપી ગેમઝોનના ભાગીદારો, સંચાલકો અને મહાનગરપાલિકા અધિકારીઓ સહિતના ધવલ ભરતભાઈ ઠક્કર, યુવરાજસિંહ હરિસિંહ સોલંકી, રાહુલ લલિતભાઈ રાઠોડ, નીતિન મહાવીરપ્રસાદ લોઢા, અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા, મહેશ અમૃતભાઈ રાઠોડ, મનસુખ ધનજીભાઈ સાગઠીયા, ગૌતમ દેવશંકર જોષી, મુકેશ રામજીભાઈ મકવાણા, જયદિપ બાલુભાઈ ચૌધરી, રાજેશ નરશીભાઈ મકવાણા, રોહિત અસમલભાઈ વિગોરા, ભીખાભાઈ જીવાભાઈ થીબા, ઈલેશ વલભભાઈ ખેર શખ્સો સામે ગુનો નોંધી ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા. દરમિયાન આ કેસમાં ચાર્જશીટ થયા બાદ જમીન માલિક અશોકસિંહ જાડેજાએ સેશન્સ કોર્ટમાં કરેલી જામીન અરજી નામંજૂર થતાં ગુજરાત હાઇકોર્ટમાં રેગ્યુલર જામીન મેળવવા અરજી કરી હતી. જે જામીન અરજી હાઇકોર્ટ દ્વારા રદ કરવામાં આવતા જમીન માલિક અશોકસિંહ જાડેજાએ જામીન મુક્ત થવા પોતાના વકીલ મારફત સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. જે જામીન અરજી ચાલવા ઉપર આવતા બંને પક્ષના વકીલોની રજૂઆત બાદ જમીન માલિક અશોકસિંહ જાડેજાના વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો અને ટાંકેલા વિવિધ ચુકાદાઓ ધ્યાને લઇ સુપ્રીમ કોર્ટ દ્વારા જમીન માલિક અશોકસિંહ જાડેજાની જામીન અરજી મંજુર કરતો હુકમ કર્યો છે. અગ્નિકાંડ કેસમાં અત્યાર સુધીમાં ફાયર ઓફિસર ઇલેશ ખેર, પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયા અને જમીન માલિક અશોકસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે.
પૂર્વ TPO સાગઠિયાની ડુપ્લીકેટ મિનિટ્સ બુક બનાવવામા જામીન રદ
અગ્નિકાંડ કેસમાં સંડોવાયેલા પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાની સુપ્રીમ કોર્ટ દ્વારા જામીન અરજી મંજુર કરવામાં આવી હતી. પરંતુ પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠીયા વિરુધ્ધ અપ્રમાણસર મિલ્કત અંગે એન્ટી કરપ્શન બ્યુરોમાં તેમજ ડુપ્લીકેટ મિનિટ્સ બુક બનાવવા બદલ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઇ હતી. જે કેસમાં જેલવાસ ભોગવતા મનસુખ સાગઠિયાએ ડુપ્લીકેટ મિનિટ્સ બુક બનાવવા કેસમાં જામીન મુક્ત થવા રાજકોટ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. જે જામીન અરજી ચાલી જતા કોર્ટે પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાની ડુપ્લીકેટ મિનિટ્સ બુક બનાવવા કેસમાં જામીન અરજી ફગાવી દીધી છે.