New Delhi તા, 2
પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડને પોતાનાં પદ પરથી રાજીનામું આપ્યાને એક વર્ષથી વધુ સમય વીતી ગયો હોવા છતાં હજુ સુધી સરકાર તરફથી અધિકૃત આવાસ ફાળવવામાં આવ્યું નથી.
સપ્ટેમ્બર 2025થી તેઓ દિલ્હીનાં છતરપુર વિસ્તારમાં આવેલાં INLD નેતા અભય સિંહ ચૌટાલાના ખાનગી ફાર્મહાઉસમાં રોકાયેલા છે. આ વ્યવસ્થા શરૂઆતમાં હંગામી ધોરણે કરવામાં આવી હતી, પરંતુ સરકારી ઘરની ફાળવણી ન થતાં તેઓ હજુ પણ ત્યાં જ રહે છે.
નિયમો મુજબ, દેશનાં પૂર્વ ઉપરાષ્ટ્રપતિને આજીવન ભાડા વગરનું ફર્નિશ્ડ સરકારી આવાસ તેમજ વીજળી અને પાણીની મફત સુવિધા મેળવવાનો હક છે. સામાન્ય રીતે તેમને ‘ટાઇપ-VIII’ શ્રેણીનો સરકારી બંગલો આપવામાં આવે છે.
જો આવું સરકારી મકાન ઉપલબ્ધ ન હોય, તો કેન્દ્ર સરકાર દ્વારા 2,000 ચોરસ ફૂટ સુધીનું ભાડાનું આવાસ પણ કરી આપવાની જોગવાઈ છે. ગયા વર્ષે લ્યુટિયન્સ દિલ્હીમાં તેમના માટે બંગલો તૈયાર હોવાનાં સંકેત મળ્યાં હતાં, પરંતુ હજુ સુધી તેમને કબ્જો સોંપાયો નથી.

