Russia તા, 2
’ફાઈનાન્શિયલ ટાઈમ્સ’ના એક અહેવાલ મુજબ, રશિયા 2023થી ઈરાનને અત્યાધુનિક સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ વિકસાવવામાં છૂપી રીતે મદદ કરી રહ્યું છે. ’C430L’ કોડનામ ધરાવતાં આ ગુપ્ત પ્રોજેક્ટમાં રશિયાનાં અનુભવી મિસાઈલ નિષ્ણાતો સામેલ છે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ઈરાનને ’રેમજેટ પ્રોપલ્શન સિસ્ટમ’ વિકસાવવામાં મદદ કરવાનો છે, જેનાથી તેની ક્રૂઝ મિસાઈલો અવાજની ઝડપ કરતાં પણ ઘણી વધારે ઝડપે ઉડી શકશે.
સુપરસોનિક ક્રૂઝ મિસાઈલો પોતાની અતિશય ઝડપ અને ઓછી ઊંચાઈએ ઉડવાની ક્ષમતાના કારણે દુશ્મનના એર ડિફેન્સ અને મિસાઈલ સિસ્ટમ માટે ડિટેક્ટ કે ઇન્ટરસેપ્ટ કરવી ખૂબ મુશ્કેલ બની જાય છે. જો ઈરાન આ ટેકનોલોજી પ્રાપ્ત કરી લે છે, તો તે પર્સિયન ગલ્ફ વિસ્તારમાં તૈનાત અમેરિકી નૌકાદળના જહાજો અને અન્ય સુરક્ષા વ્યવસ્થાઓ માટે મોટો પડકાર બની શકે છે. ઈરાન આ સિસ્ટમનું ફ્લાઈટ ટેસ્ટિંગ કરી ચૂક્યું છે, પરંતુ આ ટેકનોલોજીથી બનેલી મિસાઈલ હજુ સુધી તૈનાત કરવામાં આવી નથી.
આ ટેકનોલોજીની આપ-લે બંને દેશો વચ્ચે વધતા જતાં સૈન્ય સંબંધોનો પુરાવો આપે છે. અગાઉ ઈરાને પણ યુક્રેન યુદ્ધમાં રશિયાને ’શાહેદ’ એટેક ડ્રોન પૂરા પાડ્યા હતા અને હવે બદલામાં રશિયા ઈરાનને આ મહત્વની લશ્કરી ટેકનોલોજી આપી રહ્યું હોવાનું માનવામાં આવે છે. નિષ્ણાતોના મતે, રશિયામાં ટોચના રાજકીય નેતૃત્વની મંજૂરી વગર આવી સંવેદનશીલ ટેકનોલોજીની ટ્રાન્સફર શક્ય નથી.
આ ખુલાસો એવા સમયે થયો છે જ્યારે મધ્ય પૂર્વમાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે લશ્કરી તણાવ ચરમસીમા પર છે. એક તરફ અમેરિકી દળો અને ઈરાન વચ્ચે હુમલા અને વળતા હુમલાઓ થઈ રહ્યા છે, ત્યારે રશિયા દ્વારા ઈરાનને અપાતી આ નવી મિસાઈલ મદદ આ વિસ્તારના લશ્કરી સંતુલનને વધુ જટિલ અને ચિંતાજનક બનાવી શકે છે.

