Mumbai તા.2
બોલીવુડના અભિનેતા સુશાંતસિંઘ રાજપૂતના મેનેજર તરીકે જાણીતા બનેલા દિશા સાલીયાનના અપમૃત્યુ મુદે મુંબઈ હાઈકોર્ટે સીબીઆઈ તપાસના આદેશ આપ્યા છે અને આ અંગે તાત્કાલીક એફઆઈઆર પણ નોંધવા જણાવ્યું છે.
દિશા સાલીયાનનું તા.8 જૂન 2020ના મૃત્યુ થયુ હતું તેના થોડા દિવસ બાદ જ સુશાંતસિંઘ રાજપૂતે પણ આત્મહત્યા કરી લીધી હતી. જેમાં બંને મૃત્યુમાં કોઈ કડી હોવાનો પણ શંકા વ્યક્ત થઈ હતી. બાદમાં દિશાના પિતાએ આ અંગે મુંબઈ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી.
જેમાં આજે હાઈકોર્ટે દિશાના મૃત્યુ પર એફઆઈઆર દાખલ કરી અને સીબીઆઈ તપાસના આદેશ આપ્યા છે. હજુ સુધી આ એફઆઈઆર કોઈના નામ પર દાખલ કરવામાં આવી નથી. દિશાના પરિવારે એ પણ મુદો ઉઠાવ્યો હતો કે તેની હત્યા થઈ છે.
પાંચ વર્ષ સુધી તેના પરિવારને પોષ્ટમોર્ટમ કે અન્ય તબીબી રેકોર્ડ આપવામાં આવ્યા ન હતા. દિશા તેના નિવાસના 14માં માળેથી નીચે પટકાઈ હતી છતાં પણ તેના ચહેરા અને મોઢા પર કોઈ ગંભીર ઈજાના નિશાન ન હતા.તેથી આ મૃત્યુ રહસ્યમય બન્યુ હતું તેના મૃત્યુના છ દિવસ બાદ 14 જૂન 2020ના અભિનેતા સુશાંતસિંઘ રાજપૂતે તેના બાંદરા સ્થિત મુંબઈમાં આત્મહત્યા કરી હોવાનું બહાર આવ્યુ હતું.

