New Delhi તા.2
ઇડીએ એનએચએઆઇ ટોલ પ્લાઝા પ બોગસ વસૂલાત અને મની લોન્ડ્રીંગના મામલામાં દેશભરમાં જુદા-જુદા 14 ઠેકાણે દરોડા કાર્યવાહી કરી છે. ઇડીએ ધન શોધન વિરોધી કાનુન અંતર્ગત આ કાર્યવાહી કરી છે. ઇડીએ આજે ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, જમ્મુ, મધ્ય પ્રદેશ, એનસીઆર અને કોલકાતામાં અલગ-અલગ ઠેકાણે દરોડા પાડવામાં આવ્યા છે.
આ મામલે એવો સનસનીખેજ ખુલાસો થયો છે કે બોગસ સોફટવેર બનાવી કરોડોનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. આરોપીઓએ નેશનલ હાઇવે ઓથોરિટીના સમાંતર એક બોગસ સોફટવેર બનાવીને કરોડો રૂપિયાની ગેરકાયદે વસૂલી કરી હતી.
યુપીએસટીએફે આ કૌભાંડનો ભાંડાફોડ કર્યો હતો. તપાસમાં બહાર આવ્યું હતું કે આરોપીઓએ ટોલ વસુલીના માત્ર પાંચ ટકા જ સરકારી રેકોર્ડમાં બતાવ્યા હતા અને બાકી 95 ટકાનું કૌભાંડ થઇ રહ્યું હતું. ઇડીએ આ મામલામાં નોંધાયેલી એફઆઇઆરને ધ્યાનમાં લઇ મામલાની તપાસ શરૂ કરી હતી.
એફઆઇઆરમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે બોગસ સોફટવેરથી રસીદો બનાવીને કૌભાંડ આચરવામાં આવતું હતું. ટોલથી થયેલી કમાણીને અધિકૃત એકાઉન્ટીંગ સિસ્ટમની બહાર ડાયવર્ટ કરવામાં આવી હતી.
ઇડીના તપાસમાં ફોરેન્સિક અને નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડિયાના રેકોર્ડથી બોગસ સોફટવેરના ઉપયોગની પુષ્ટિ થઇ ચૂકી છે. ઇડીના તાજેતરના દરોડાનો ઉદ્દેશ બોગસ સાથે જોડાયેલા પુરાવા એકત્ર કરવા, આરોપીઓની ઓળખ કરવી, અપરાધથી કરેલી કમાણીનો પતો લગાવવાનો છે.

