બીજી પુત્રીનો જન્મ થતાં માતાએ બે માસની ફૂલ જેવી બાળકીને ભોં ટાંકામાં ફેંકી દીધી : પતિની ફરિયાદ પરથી હત્યાની કલમો હેઠળ ગુનો
Kotdasangani,
કોટડાસાંગાણી તાલુકાના પીપલાણા ગામે માતાની મમતા મરી પરવારી હોય તેવી ચકચારી ઘટના સામે આવી છે. એક પુત્રી બાદ ફરીવાર બીજી પુત્રીનો જન્મ થતાં માતાએ જ ઠંડા કલેજે બે માસની ફૂલ જેવી કુમળી બાળકીને ભોં ટાંકામાં ફેંકી મોતને ઘાટ ઉતારી દેતા કોટડાસાંગાણી પોલીસ મથકમાં હત્યાની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો.
કોટડાસાંગાણીના પીપલાણા ગામે રહેતા 26 વર્ષીય શ્રમિક સાજીદ ગુલાબભાઈ કાયાણીએ કોટડાસાંગાણી પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં બે માસની બાળકીને ઠંડા કલેજે ભોં ટાંકામાં ફેંકી મોતને ઘાટ ઉતારી દેનાર પત્ની મુસ્કાનબેન કાયાણીનું નામ આપ્યું હતું. મામલામાં કોટડાસાંગાણી પોલીસે માસુમ દીકરીની હત્યા નીપજાવનાર માતા વિરુદ્ધ હત્યાની કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
ફરીયાદીએ જણાવ્યું હતું કે, મારા લગ્ન થયા બાદ હું તથા મારી પત્ની મુસ્કાન એમ બન્ને મારા મમ્મી-પપ્પા સાથે એકાદ વર્ષ સાથે રહેલ અને બાદમાં મારી પત્નીને મારા મમ્મી-પપ્પા સાથે મેળ નહી આવતા હું તથા મારી પત્ની મુસ્કાન પિતાના મકાનમાં એક આડી દીવાલ કરી અલગ રહેવા લાગેલ હતા. બાદ ગઇ તા.૦૫/૦૭/૨૦૨૦ મા મારા ઘરે પહેલી દીકરી નુરેનાનો જન્મ થયેલ હતો. ત્યારબાદ ગઈ તા.૧૫/૦૩/૨૦૨૫ ના રોજ ફરીવાર મારા ઘરે બીજી દીકરી આયેશાનો જન્મ થયેલ હતો. મારી પત્નીને સિજેરિયન આવ્યુ હોય જેથી પત્ની મુસ્કાન બે મહીના તેના પીયર રાજકોટ ખાતે રોકાયેલ હતી. બે મહીના બાદ હુ મારી પત્નીને તેડીને પીપલાણા લઇ આવેલ હતો. બાદ તા.૨૩/૦૫/૨૦૨૫ ના રોજ હુ સવારના આઠ વાગ્યે મજુરી કામે જતો રહેલ હતો અને મારા મમ્મી-પપ્પા, નાનો ભાઈ તેની પત્ની આશીયાના એમ બધા વાડીએ જતા રહેલ હતા. બાદ બપોરે ઘરે આવતા મારા માતા મારી નાની દીકરી આયેશાને રમાડવા આવેલ હતા. બાદ હું જમીને પરત મજૂરી અર્થે ચાલ્યો ગયેલ હતો અને માતા તેમના ઘરે પરત ફર્યા હતા.
ત્યારબાદ સાંજે આશરે પાંચ વાગ્યે પત્ની મુસ્કાનનો મને ફોન આવેલ કે, આયશા ઘોડીયામા નથી. જેથી મે તુરંત મારા પિતાને ફોન કરતા તેઓ માતા, નાના ભાઈ સમીર અને તેની પત્ની સાથે ઘરે દોડી ગયા હતા અને હું પણ ઘરે જવા રવાના થયો હતો. ત્યારબાદ હુ ઘરે પહોંચેલ ત્યારે મારા મમ્મી-પપ્પા, ભાઈ તથા તેની પત્ની મારી દીકરી આયેશાને શોધતા હતા. દરમિયાન દીકરી અમારા ઘરના રસોડાના પાણીના ભોં ટાકામાંથી મળી આવતા તેને બહાર કાઢી મારા કાકા કેશુભાઈ, નાનો ભાઈ સમીર તથા અમારા ગામના કાનાભાઈ ભરવાડ દીકરીને પ્રથમ પ્રાઇવેટ દવાખાને લઈ ગયેલ હતા અને ત્યાથી રાજકોટ નક્ષકિરણ હોસ્પીટલમા સારવાર અર્થે ગયેલ હતા. જયારે હું તથા મારા બીજા કાકા યુનુસભાઈ, મારા માતા પાછળથી રાજકોટ હોસ્પીટલે જવા નીકળેલ હતા. દરમિયાન અમે રસ્તામાં હતા ત્યારે કાકા કેશુભાઈનો મારા કાકા યુનુસભાઈના મોબાઇલમા ફોન આવેલ કે, આયેશા મરણ ગયેલ છે, તમે પરત ઘરે જતા રહો. જેથી અમે પરત આવતા રહેલ હતા અને કોઈને જાણ કર્યા વગર મારી દીકરી આયેશાની જ્ઞાતીના રીવાજ મુજબ પીપલાણા કબ્રસ્તાનમાં દફનવીધી કરી નાખેલ હતી. ત્યારબાદ મારી પત્ની મુસ્કાન પાંચ દીવસ ઘરે રોકાયેલ દરમિયાન મને તેની પર શંકા જતા મે પત્નીને પીયર મોકલી દીધી હતી. બાદ બીજા દીવસે સવારના મારા સાળા મોસીનનો ફોન આવેલ કે, મુસ્કાનને આયેશા બાબતે પુછતા તેણે જણાવેલ કે, મે આયેશાને પાણીના ભો ટાકામા નાખી દીધેલ હતી જેથી તે મરણ ગયેલ હતી. ત્યારબાદ મારા સાળાના પત્ની સાહીસ્તાનો ઇન્સટાગ્રામમા મેસેજ આવેલ કે, મુસ્કાને જ આયેશાને પાણીના ટાંકામાં નાખી દીધેલનું કબુલ કરેલ છે. જેથી મે આ વાત મારા મમ્મી-પપ્પા તેમજ કુટુંબીજનોને કરતા છૂટાછેડા લેવાનું નક્કી થયું હતું.
ત્યારબાદ પત્ની સાથે મારા છૂટાછેડા નહિ થતા તેમજ પત્નીએ દીકરી આયેશાના મુત્યુ બાબતે મારા તથા મારા મમ્મી-પપ્પા અને કુટુંબીજનો વિરુદ્ધ અરજી કરતા અંતે પતિએ પુત્રીની હત્યા મામલે પત્ની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. બનાવને પગલે કોટડાસાંગાણી પોલીસની ટીમે માસુમ બાળકીને મોતને ઘાટ ઉતારી દેનાર જનેતા વિરુદ્ધ બીએનએસની કલમ 103 હેઠળ ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી હતી.