Pattaya તા.2
લાંબા સમય સુધી ઈરાન વિરુદ્ધ જંગ માટે મિડલ ઈસ્ટમાં તૈનાતી બાદ અમેરિકી નૌસેનાનું જંગી જહાજ યુએસએસ અબ્રાહમ લિંકન થાઈલેન્ડના મશહુર શહેર પટાયા પહોંચી ગયું છે. જેથી ત્યાંના કારોબાર અને અર્થ વ્યવસ્થાને ફાયદો થવાની આશા છે.
જો કે, કમાલની વાત એ છે કે સ્થાનિક પ્રશાસને શહેરના કેટલાક વિસ્તારોમાં સેકસ ટુરિઝમ પર પણ કાર્યવાહી વધારી દીધી છે, આખરે આવું શા માટે? શહેરમાં જયારે અમેરિકી સૈનિકો આવી રહ્યા છે ત્યારે પટાયામાં દેહ વ્યાપાર સામે એકશન શા માટે લેવામાં આવી રહ્યા છે?
થાઈ અધિકારીઓનું કહેવું છે કે, આ જહાજ સાથે નૌસેનાના બે વધુ જહાજ પણ છે. જેમાં લગભગ 5 હજાર નૌસૈનિકો અને મરિન સૈનિકોને 200થી વધુ દિવસ સમુદ્રમાં રહ્યા બાદ આરામ કરવાનો મોકો મળશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે સેકસ વર્કર્સ અધિકારીઓની જાણકારી વિના જાહેર જગ્યાએ કસ્ટમર્સને આકર્ષવાની કોશિશ કરી શકે છે.
રિપોર્ટ અનુસાર બેન્કોક યુનિવર્સિટીના સ્કુલ ઓફ હ્યુમિનીટીઝ એન્ડ ટુરિઝમ મેનેજમેન્ટના એસોસીએટ પ્રોફેસર પિપાટપોંગ ફકફાટેના જણાવ્યા મુજબ સ્વાસ્થ્ય અને સુરક્ષાને લઈને ખતરો છે.
મોટી સંખ્યામાં ગ્રાહકો આવવાથી સેકસ માટે લોકોના શોષણનો ખતરો વધી શકે છે અને યૌન સંબંધોથી ફેલાતી બીમારીઓ પણ વધુ ફેલાઈ શકે છે. તેમણે વિમાનવાહક જહાજ પર સૈનિકોમાં તનાવ અને આત્મહત્યાની કોશિશની ખબરોનો પણ ઉલ્લેખ કર્યો.
ઉલ્લેખનીય છે કે થાઈલેન્ડમાં વેશ્યાવૃતિ ગેરકાનુની છે, તેમ છતાં સમયાંતરે કાર્યવાહી થવા છતાં પણ દેશના મોટા પર્યટન કેન્દ્રોમાં સેકસ ઈન્ડસ્ટ્રીઝ ખુલ્લી રીતે જોવા મળે છે.
રિપોર્ટ મુજબ અમેરિકી જહાજના પટાયા આવવાના પગલે પોલીસે પટાયાના મુખ્ય સમુદ્રતટ અને નાઈટ લાઈફ વિસ્તારોમાં વધારાના પેટ્રોલીંગની તૈયારી કરી છે.

