Girsomnath,તા.૧૨
સૌરાષ્ટ્રના જાણીતા અને યુવા લોક કલાકાર દેવાયત ખવડે તાલાલા પોલીસ સમક્ષ સરેન્ડર કર્યુ. રાત્રિના દોઢ કલાકે ખવડ તાલાલા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. ખવડના સાથી આરોપીએ રાત્રે ૯ કલાકે સરેન્ડર કર્યું હતું. હાલ ખવડ ૭ દિવસના રિમાન્ડ પર છે.
ગઈકાલે દેવાયત ખવડના જામીન રદ કરવામાં આવ્યા છે. આ મામલે કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી દરમિયાન મહત્વના વળાંક આવ્યા છે. તાલાલા પોલીસ દ્વારા દેવાયત ખવડના જામીન સામે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. પોલીસે કોર્ટમાં રજૂઆત કરી કે આરોપી જામીન પર મુક્ત રહેશે તો કેસની તપાસમાં વિક્ષેપ આવી શકે છે અને કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ પણ પ્રભાવિત થવાની શક્યતા છે. પોલીસના આ વાંધાને ધ્યાનમાં લઈ કોર્ટએ દેવાયત ખવડના જામીન રદ કરવાનો નિર્ણય લીધો.
વિશેષ વાત એ રહી કે દેવાયત ખવડના વકીલે પણ જામીન રદ કરવાની પોલીસની માંગ સામે કોઈ વિરોધ નોંધાવ્યો નહોતો. પરિણામે કોર્ટએ જામીન રદ કરવા માટેનો નિર્ણય વધુ મજબૂત બની ગયો. આગળની કાર્યવાહી તરીકે દેવાયત ખવડે તાલાલા પોલીસ સામે “સરેન્ડર” કર્યું. એટલે કે કાયદાકીય પ્રક્રિયા હેઠળ પોતાને પોલીસ સમક્ષ હાજર કર્યું.
સરકારી વકીલ કેતનસિંહ વાળા (વેરાવળ)એ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું કે, કોર્ટના આદેશથી ન્યાયની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. તેમણે કહ્યું કે કાયદાના શાસન હેઠળ કોઈપણ આરોપી સામે કડક કાર્યવાહી થવી જ જોઈએ જેથી સમાજમાં ન્યાય પ્રત્યે વિશ્વાસ મજબૂત રહે.
આ ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં ચર્ચા ગરમાઈ છે. દેવાયત ખવડના જામીન રદ થવાથી સ્થાનિક રાજકીય અને સામાજિક વર્તુળોમાં પણ ચચાઓ તેજ થઈ છે.
દેવાયત ખવડ અને તેના સાગરિતો સામે લૂંટ, હત્યાની કોશિશ, રાયોટિંગ અને આર્મ્સ એક્ટ જેવા ગુનાઓ નોંધાયેલા છે. આજે તમામ આરોપીઓનું મેડિકલ ચેકઅપ કરાવવામાં આવશે. મંજૂર થયેલા ૭ દિવસના રિમાન્ડ દરમિયાન પોલીસ આરોપીઓ પાસેથી આચરેલા ગુનાની વિગતો અને પુરાવા એકત્રિત કરશે.