ઉત્તર પ્રદેશમાં કુલ ૬૦૪ ચૂંટાયેલા સભ્યોનું વિશ્લેષણ કરાયું તેમાંથી ૨૩ ટકા સૌથી વધુ રાજકીય પરિવારના સભ્યો હોવાનું જણાયું હતું
New Delhi, તા.૧૩
દેશમાં હાલમાં સક્રિય ૫,૨૦૪ સાંસદો, ધારાસભ્યો તેમજ વિધાન-પરિષદના સભ્યો પૈકી ૨૧ટકાને વારસામાં રાજકારણ મળ્યું હોવાનું ચૂંટણી સંલગ્ન સંસ્થા એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ્સે (એડીઆર) તેના અહેવાલમાં જણાવ્યું છે. રાષ્ટ્રીય પક્ષોમાંથી ૨૧ ટકા વર્તમાન સભ્યો રાજકીય પરિવારમાંથી આવે છે. વારસામાં રાજકારણ મળ્યું હોય તેવા સભ્યો સૌથી વધુ ૩૧ ટકા લોકસભામાં હોવાનો રિપોર્ટમાં ખુલાસો કરાયો છે. રાજકીય પરિવારમાંથી જ આવતા સભ્યોની બાબતમાં કોંગ્રેસ ૩૨ ટકા હિસ્સા સાથે સૌથી મોખરે છે જ્યારે ભાજપનો હિસ્સો ૧૮ ટકા છે. સીપીઆઈ (એમ) સૌથી ઓછો આઠ ટકા હિસ્સો ધરાવે છે. એડીઆર રિપોર્ટ મુજબ ૩,૨૧૪ વર્તમાન સાંસદો, એમએલએ અને એમએલસીનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું જે પૈકી ૬૫૭ (૨૦ ટકા)ને રાજકારણ વારસામાં મળ્યું છે. એડીઆર તથા નેશનલ ઈલેક્શન વૉચ (એનઈડબલ્યુ)ના રિપોર્ટ મુજબ દેશમાં સક્રિય એમપી, એમએલએ તથા એમએલસી પૈકી ૧,૧૦૭ (૨૧ ટકા) રાજકીય વારસો ધરાવે છે. રાજ્યોની વિધાનસભામાં સૌથી ઓછો ૨૦ ટકા હિસ્સો છે. જ્યારે લોકસભા, રાજ્યસભા અને વિધાન પરિષદમાં અનુક્રમે ૩૧, ૨૧ અને ૨૨ ટકા હિસ્સો છે. રાજ્યોની બાબતે વારસામાં રાજકારણ મળ્યું હોય તેવા સભ્યોની સંખ્યા સૌથી વધુ ૧૪૧ છે. જ્યારે મહારાષ્ટ્ર (૧૨૯), બિહાર (૯૬) અને કર્ણાટક (૯૪) અનુક્રમે છે.ઉત્તર પ્રદેશમાં કુલ ૬૦૪ ચૂંટાયેલા સભ્યોનું વિશ્લેષણ કરાયું તેમાંથી ૨૩ ટકા સૌથી વધુ રાજકીય પરિવારના સભ્યો હોવાનું જણાયું હતું. મહારાષ્ટ્રમાં ૪૦૩ પૈકી ૩૨ ટકા સભ્યોને વારસામાં રાજકારણ મળ્યું હોવાનું સ્પષ્ટ થયું હતું. બિહારમાં આ સંખ્યા ૯૬ અને કર્ણાટકમાં ૯૪ છે. રિપોર્ટ મુજબ વધુ બેઠકો સાથેના રાજ્યોની બાબતમાં આંધ્રપ્રદેશમાં ૨૫૫ વર્તમાન એમપી, એમએલએ અને એએલસી પૈકી સૌથી વધુ ૩૪ ટકા ૮૬ સભ્યો રાજકીય પરિવારમાંથી આવે છે.રાજકારણ વારસામાં મેળવવાની પ્રાદેશિક પેટર્ન જોતા આંધ્ર પ્રદેશ અને કર્ણાટક સહિતના દક્ષિણના રાજ્યોમાં વધુ જણાય છે. ઉત્તર તથા પૂર્વોત્તરના રાજ્યોમાં આ બાબતે ભિન્નતા જોવા મળે છે. ઉદાહરણ તરીકે બિહારમાં ૨૭ ટકા જ્યારે આસામમાં ફક્ત નવ ટકા હોવાનું રિપોર્ટમા જણાવ્યું છે. દેશમાં પરિવારવાદમાંથી આવતા ૧૮ ટકા પુરૂષ સાંસદો, ધારાસભ્યોની તુલનાએ મહિલાઓમાં આ ટકાવારી ૪૭ ટકા જેટલી વધુ છે. ૪,૬૬૫ ચૂંટાયેલા સભ્યોમાંથી ૮૫૬ પુરૂષો (૧૮%) અને કુલ ૫૩૯ મહિલા સભ્યોમાંથી ૨૫૧ (૪૭%) પરિવારવાદના મૂળ ધરાવે છે.એડીઆર રિપોર્ટ મુજબ રાજ્યોના પક્ષોમાં પરિવારવાદનો વ્યાપ વધુ ઊંડો હોવાનું જણાય છે. એનસીપી (શરદચંદ્ર પવાર) અને જેકેએનસી બંને પક્ષોના ૪૨ ટકા સભ્યો રાજકીય પરિવારના છે. ત્યારબાદ વાયએસઆરસીપી (૩૮%) અને ટીડીપી (૩૬%) રહે છે. તૃણમૂલ કોંગ્રેસ (૧૦%) અને એઆઇએડીએમકે (૪%) સાથે અનુક્રમે છે. માન્યતા ના હોય તેવા પક્ષો તથા અપક્ષ ઉમેદવારો પણ આમાંથી બાકાત નથી. પરિવારદનો પ્રભાવ ધરાવતા ૨૫ ટકા સભ્યો આ વર્ગના છે. કેટલાક નાના પક્ષોનું સંચાલન સંપૂર્ણરીતે પરિવાર જ કરે છે.