Dubai,તા.15
દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં આજે(14 સપ્ટેમ્બર) એશિયા કપ 2025ની ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ હતી. જેમાં ભારતની 7 વિકેટથી જીત થઈ છે. પાકિસ્તાનના કેપ્ટન સલમાન અલી આગાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જેમાં પાકિસ્તાને 20 ઓવરમાં 9 વિકેટ પર 127 રન બનાવ્યા અને ભારતને જીત માટે 128 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ત્યારે ભારતીય ટીમે 15.5 ઓવરમાં 3 વિકેટના નુકસાન પર 131 રન બનાવીને પાકિસ્તાનને માત આપી છે.આ મેચ અગાઉ ભારતે આ ટુર્નામેન્ટમાં UAE સામે એક મેચ રમી હતી, જેમાં ભારતે જીત મેળવી છે. ત્યારે, પાકિસ્તાનની ટીમે આ અગાઉની મેચમાં ઓમાનને હરાવ્યું છે. જોકે, બીજી તરફ પાકિસ્તાન સાથે મેચ રમાવાને લઈને વિરોધનો સૂર ઉઠી રહ્યો છે, કારણ કે પહલગામ આતંકવાદી હુમલા બાદ પહેલીવાર બંને ટીમો વચ્ચે મેચ રમાઈ રહી છે. આ મેચનો બહિષ્કાર કરવાને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચા તેજ થઈ ગઈ છે. પરંતુ બીસીસીઆઈએ પહેલાથી જ સ્પષ્ટ કરી દીધું છે કે આ મેચથી પીછેહટ ન કરી શકાય.
ભારે વિવાદ વચ્ચે ભારત-પાકિસ્તાન વચ્ચે રમાયેલી એશિયા કપની મેચમાં ભારતે 7 વિકેટથી ભવ્ય જીત મેળવી છે. પાકિસ્તાને ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લઇને 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 127 રન બનાવ્યા હતા. જે પછી 128 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી ટીમ ઇન્ડિયાએ 15.5 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને જીત હાંસલ કરી છે.
આ મેચમાં ભારતીય ટીમના બોલર્સે તોફાની પ્રદર્શન કરી પાકિસ્તાનના બેટર્સને ઘૂંટણિયે લાવી દીધા હતા. પાકિસ્તાન માટે સાહિબઝાદા ફરહાને સૌથી વધુ 44 બોલમાં 40 રન અને શાહિન આફ્રિદીએ 16 બોલમાં 33 રન બનાવ્યા હતા. આ બે બેટર સિવાય પાકિસ્તાનનો અન્ય કોઇ બેટર 20 રન પણ બનાવી શક્યો નહોતો. આ મેચમાં કુલદીપ યાદવે 3 વિકેટ, અક્ષર પટેલ અને જસપ્રીત બુમરાહે 2-2 વિકેટ જ્યારે હાર્દિક પંડ્યાએ 1 વિકેટ ઝડપી હતી.
128 રનના ટાર્ગેટનો પીછો કરતી વખતે અભિષેક શર્માએ 13 બોલમાં 31 રન અને કેપ્ટન સુર્યકુમાર યાદવે 37 બોલમાં અણનમ 47 રન ફટકાર્યા હતા. આ ઉપરાંત તિલક વર્માએ 31 બોલમાં 31 રન અને શિવમ દુબેએ 7 બોલમાં અણનમ 10 રન જ્યારે શુભમન ગિલે 7 બોલમાં 10 રન બનાવ્યા હતા.
શાહીન આફરીદીએ 16 બોલમાં 4 છગ્ગાની મદદથી 33 રન બનાવીને આખા પાકિસ્તાનની ઇજ્જત બચાવી. પાકિસ્તાનની ટીમ 20 ઓવરમાં 9 વિકેટ પર 127 રન જ બનાવી શકી. તેમાં જસપ્રીત બુમરાહે 4 ઓવરમાં 28 અને હાર્દિક પંડ્યાએ 3 ઓવરમાં 34 રન આપ્યા. ત્યારે સ્પિનર્સે 13 ઓવરમાં માત્ર 65 રન આપ્યા. ભારત માટે કુલદીપ યાદવે ત્રણ વિકેટ ઝડપી. જસપ્રીત બુમરાહ અને અક્ષર પટેલને બે-બે સફળતા મળી. ત્યારે હાર્દિક પંડ્યા અને વરૂણ ચક્રવર્તીને એક-એક વિકેટ મળી.
19મી ઓવરના છેલ્લા બોલ પર પાકિસ્તાનની 9મી વિકેટ પડી છે. જસપ્રીત બુમરાહે સુફિયાન મુકીમને ક્લીન બોલ્ડ કર્યો. તે 10 રન બનાવીને પેવેલિયન ભેગો થયો. 111 રન પર પાકિસ્તાનની 9 વિકેટ પડી છે.97 રનો પર પાકિસ્તાનની આઠમી વિકેટ પડી છે. વરૂણ ચક્રવર્તીએ ફહીમ અશરફને પેવેલિયન મોકલ્યો. તેઓ 14 બોલમાં 11 રન બનાવીને આઉટ થયા. 18 ઓવર બાદ પાકિસ્તાનનો સ્કોર 8 વિકેટ પર 99 રન છે.
17મી ઓવરના પહેલા બોલ પર કુલદીપ યાદવે પાકિસ્તાનને સાતમો ઝટકો અપાવ્યો. સાહિબઝાદા ફરહાન 44 બોલમાં 40 રન બનાવીને આઉટ થયા. પાકિસ્તાને 83 રન પર 7મી વિકેટ ગુમાવી દીધી. કુલદીપની આ ત્રીજી સફળતા છે.
હસન નવાઝ બાદ મોહમ્મદ નવાઝ પણ આઉટ થઈ ગયો. શૂન્ય પર આઉટ થયો છે. કુલદીપ યાદવ હેટ્રિક પર છે. માત્ર 64 રનના કુલ સ્કોર પર પાકિસ્તાનના 6 બેટર પેવેલિયન ભેગા થયા છે.
12.4 ઓવરમાં 64 રનના કુલ સ્કોર પર પાકિસ્તાનની પાંચમી વિકેટ પડી છે. હસન નવાઝ 7 બોલમાં 5 રન બનાવીને આઉટ થયો. અક્ષર પટેલે તેનો કેચ પકડ્યો.
એશિયા કપ 2025માં ભારત અને પાકિસ્તાનની મેચ હાલ સંપૂર્ણપણે એકતરફી જોવા મળી રહી છે. ભારતીય બોલર્સની દમદાર બોલિંગ સામે પાકિસ્તાનના બેટર્સને ટકવામાં મુશ્કેલી પડી રહી છે. પાકિસ્તાને 10 ઓવરમાં માત્ર 49 રને 4 વિકેટ ગુમાવી છે. પાકિસ્તાનનો કેપ્ટન સલમાન આઘા 12 બોલમાં માત્ર 3 રન બનાવીને આઉટ થયો. અક્ષર પટેલે તેની વિકેટ ઝડપી હતી.
નબળી શરૂઆત બાદ પાકિસ્તાનના બેટર ફખર ઝમાન અને સાહિબઝાદા ફરહાને મેચમાં પકડ બનાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, અક્ષર પટેલે ફખર ઝમાનની વિકેટ લેતાં પાકિસ્તાને 45 રનમાં ત્રણ વિકેટ ગુમાવી છે. ફખર 15 બોલમાં 17 રન બનાવીને આઉટ થયો હતો.
એશિયા કપ 2025માં ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચમાં ભારતની બોલિંગ સામે પાકિસ્તાનના બેટર્સ નબળા પડ્યા હોય તેવું જણાઇ રહ્યું છે. પહેલી ઓવરમાં હાર્દિક પંડ્યાએ સાઇમ ઐયુબની વિકેટ ઝડપી ત્યારબાદ મેચની બીજી ઓવરમાં બુમરાહે પાકિસ્તાનના મોહમ્મદ હારિસની વિકેટ ઝડપી છે. હારિસ 5 બોલમાં 3 રન બનાવીને પેવેલિયન ભેગો થયો.
ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી પાકિસ્તાનની ટીમને ભારતીય ટીમે જોરદાર ઝટકો આપ્યો છે. મેચની પહેલી ઓવરમાં હાર્દિક પંડ્યાની બોલિંગ સામે પાકિસ્તાનનો ઓપનર સાઇમ ઐયુબ પ્રથમ બોલ પર જ એક પણ રન બનાવ્યા વગર પેવેલિયનમાં પાછો ફર્યો હતો.
પાકિસ્તાનના કેપ્ટન સલમાન અલી આગાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ટીમ ઈન્ડિયા પહેલા બોલિંગ કરશે. સ્ટેડિયમ હજુ ભરાયેલું દેખાતું નથી. સ્ટેન્ડમાં ઘણી ખુરશીઓ ખાલી જોવા મળી રહી છે.
પાકિસ્તાનની પ્લેઈંગ-11: સેમ અયૂબ, સાહિબજાદા ફરહાન, મોહમ્મદ હારિસ (વિકેટકીપર), ફખર ઝમાન, સલમાન અલી આગા (કેપ્ટન), હસન નવાઝ, મોહમ્મદ નવાઝ, ફહીમ અશરફ, શાહીન આફ્રિદી, સુફિયાન મુકીમ, અબરાર અહેમદ
ભારતની પ્લેઈંગ-11: અભિષેક શર્મા, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), શિવમ દુબે, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, વરુણ ચક્રવર્તી.
પહલગામ હુમલા અને ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાન સામે મેચ રમવા મુદ્દે ભારે વિવાદ થયો છે. હવે આ અંગે BCCIએ સ્પષ્ટતા આપતા કહ્યું હતું કે, ‘અમને ભરોસો છે કે આપણા ખેલાડીઓ જીત માટે પૂરી તાકાત સાથે ઉતરશે અને આ તે ઘટનાઓનો જડબાતોડ જવાબ હશે, જેને આપણે વધુ યાદ કરવા નથી ઇચ્છતા. ભારતને ભલે એવા દેશ સાથે રમવું પડી રહ્યું છે, જેની સાથે આપણા સારા સંબંધો નથી, પરંતુ મલ્ટી નેશન ટૂર્નામેન્ટમાં રમવું ભારત સરકારની પોલિસી છે. આ કારણે અમે આ મેચમાં રમવાનો ઇનકાર ન કરી શકીએ.’
એશિયા કપ 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે એટલે કે 14 સપ્ટેમ્બરે ભારે વિવાદ વચ્ચે મેચ રમાશે. આ વિરોધ વચ્ચે પૂર્વ ક્રિકેટર સુરેશ રૈનાએ પ્રતિક્રિયા આપી છે. રૈનાએ કહ્યું છે કે, ‘હું જાણુ છું કે, જો ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને વ્યક્તિગત રીતે પૂછવામાં આવે તો કોઈપણ પાકિસ્તાન સામે રમવા માગતું નથી. તેઓ મજબૂરીમાં આ મેચ રમી રહ્યા છે. તેઓ દુઃખી છે કે, પાકિસ્તાન સાથે મેચ રમવી પડશે. પરંતુ BCCI અને સરકારે મંજૂરી આપી છે. એશિયા કપ એક મલ્ટીનેશનલ ટૂર્નામેન્ટ છે. જે ACC (એશિયન ક્રિકેટ કાઉન્સિલ) હેઠળ છે. જેથી ટીમ ઈન્ડિયાએ આ મેચ મજબૂરીમાં રમવી પડશે.’
ભારત-પાકિસ્તાન મેચના વિવાદ પર બોલિવૂડ અભિનેતા સુનિલ શેટ્ટીએ પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે, ‘મને લાગે છે કે ખેલાડીઓને દોષ આપવો અયોગ્ય છે. આ એક આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ છે. ભારતે આ રૂલ્સ અને રેગ્યુલેશન ફોલો કરવા જ પડશે. એક ભારતીય હોવાના કારણે મને લાગે છે કે આ આપણી પસંદગી પર આધારિત છે કે આપણે મેચ જોઇશું કે નહીં.’
ન્યૂઝ એજન્સી ANI દ્વારા શેર કરાયેલા એક વીડિયોમાં પૂર્વ રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે, ‘જ્યારે એસીસી અથવા આઈસીસીની ટૂર્નામેન્ટ થાય છે તો દેશો માટે રમવું ફરજ પડી જાય છે. જો તેઓ આમ ન કરે તો, તેમને ટૂર્નામેન્ટમાંથી બહાર થવું પડે છે અથવા મેચ છોડવી પડશે અને પોઇન્ટ બીજી ટીમને મળી જશે. પરંતુ ભારત-પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય સીરિઝ નથી રમતું. અમે વર્ષો પહેલા એ નક્કી કરી લીધું છે કે જ્યાં સુધી પાકિસ્તાન આતંકવાદ બંધ નહીં કરે, ત્યાં સુધી અમે દ્વિપક્ષીય ક્રિકેટ નહીં રમીએ.’
જો કે, આ મેચને લઈને વિપક્ષ સરકારનો વિરોધ કરી રહ્યું છે. કેટલીક જગ્યાએ આ મુકાબલા પહેલા પૂતળા સળગાવવામાં આવ્યા. સોશિયલ મીડિયા પર પણ લોકોએ તેની ટિકા કરી છે અને સરકારને આ મેચનો બહિષ્કાર કરવાની અપીલ કરી છે.
આમ આદમી પાર્ટીના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલે પાકિસ્તાન સાથે મેચને મંજૂરીને દેશ સાથે વિશ્વાસઘાત ગણાવ્યો છે. આપના નેતા સંજય સિંહે ટ્વિટ કર્યું છે કે, લોહી અને રમત એક સાથે ચાલી શકે નહીં. અરવિંદ કેજરીવાલે X પર AAP નેતા સૌરભ ભારદ્વાજની પોસ્ટને રિટ્વિટ કરતાં લખ્યું છે કે, પાકિસ્તાન સાથે મેચ રમવી દેશ સાથે વિશ્વાસઘાત સમાન છે. દરેક ભારતીય આ મેચથી નારાજ છે. ક્રિકેટ અને આતંકવાદ એક સાથે કેમ ચાલી રહ્યા છે, વડાપ્રધાન મોદીએ આનો જવાબ આપવો જોઈએ.
આમ આદમી પાર્ટીના નેતા સૌરભ ભારદ્વાજે કહ્યું કે, ‘જે પણ રેસ્ટોરન્ટ, બાર કે જાહેર જગ્યાઓ પર આ મેચનું લાઇવ પ્રસારણ કરવામાં આવશે. અમે તેનો વિરોધ કરીશું. બીજી તરફ, આપની મહિલા વિંગે રાજધાનીમાં પાર્ટી હેડક્વાર્ટરની બહાર સાંકેતિક વિરોધ પ્રદર્શન કર્યું હતું. પ્રદર્શન દરમિયાન આપ કાર્યકર્તાઓએ એક ટીવી સેટ તોડ્યો અને પ્રતિકાત્મક રીતે કહ્યું કે, તેઓ વડાપ્રધાન મોદીને સિંદૂર ચઢાવવા ઇચ્છે છે.’