New Delhi તા.15
દેશમાં ઝડપથી લોકપ્રિય થઈ રહેલા યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ (યુપીઆઈ)માં હવે ખાસ કેટેગરીમાં પર્સન્ટ ટુ મર્ચન્ટ કેટેગરીમાં લેવડ દેવડની મર્યાદા વધારવામાં આવી છે. જો કે પર્સન્ટ ટુ પર્સન્ટ એટલે કે એક વ્યક્તિથી બીજા વ્યક્તિને પેમેન્ટ માટેની મર્યાદા રૂા.1 લાખ જ રહેશે.
આજથી અમલી બનેલા યુપીઆઈના નવા નિયમ મુજબ કોઈપણ વ્યક્તિ મર્ચન્ટ એટલે કે વેપારી ખરીદી પર રૂા.10 લાખ સુધીનું પેમેન્ટ કરી શકશે. જેને પર્સન્ટ ટુ મર્ચન્ટ સીસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે.
જેમાં વિમા ઉપરાંત રોકાણ, ક્રેડીટ કાર્ડ પેમેન્ટનો પણ સમાવેશ કરાયો છે. ખાસ કેટેગરીમાં જ આ ફેરફાર અમલી રહેશે. તેમાં કોઈપણ વ્યક્તિ, કોઈ દુકાનદાર, સર્વિસ પ્રોવાઈડર કે વ્યાપારીને સીધુ પેમેન્ટ કરે તેને પર્સન્ટ ટુ મર્ચન્ટ પેમેન્ટ કહેવાય છે. જે નવી જોગવાઈ છે તેમાં કેપીટલ માર્કેટમાં અત્યાર સુધી રૂા.2 લાખની લીમીટ હતી જે હવે એક દિવસમાં રૂા.10 લાખ પરંતુ એક જ વ્યવહારમાં રૂા.5 લાખની મર્યાદા રહેશે.
એટલે કે તમે એક વ્યવહાર રૂા.5 લાખથી વધુનો નહી કરી શકો પરંતુ એકંદરે રૂા.10 લાખનો વ્યવહાર કરી શકશો. આવી જ રીતે વીમામાં પણ રૂા.10 લાખની મર્યાદા અમલી બની છે. ટ્રાવેલમાં અત્યાર સુધી રૂા.1 લાખની જે મર્યાદા હતી તે વધીને રૂા.10 લાખ થઈ છે.
જેમાં પ્રતિ વ્યવહાર રૂા.5 લાખથી વધુ નહી હોય, ક્રેડીટકાર્ડ પેમેન્ટમાં રૂા.6 લાખ સુધીની મર્યાદા નકકી કરવામાં આવી છે. જેમાં પણ વ્યવહાર મર્યાદા રૂા.5 લાખ રખાઈ છે.
જવેલરી પેમેન્ટમાં રૂા.2 લાખના પ્રતિ વ્યવહાર સાથે વધુમાં વધુ રૂા.6 લાખ સુધીના પેમેન્ટ 24 કલાકમાં કરી શકશો. આવી જ રીતે ડીઝીટલ એકાઉન્ટ ઓપનીંગમાં પણ નવી મર્યાદા રૂા.5 લાખની કરવામાં આવી છે.