New Delhi તા.15
વિવાદાસ્પદ બની ગયેલા વકફ સુધારા ખરડામાં આજે સુપ્રીમકોર્ટે એક તરફ સમગ્ર સુધારા ખરડા પર સ્ટે આપવાનો ઈન્કાર કર્યો હતો. આજે સર્વોચ્ચ અદાલતે પોતાના વચગાળાના આદેશમાં જો કે સંશોધીત ખરડાની કેટલીક જોગવાઈઓ સામે સ્ટે આપ્યો છે અને તેમાં હવે આગામી સમયમાં સુનાવણી થશે. સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ બી.આર.ગવઈએ વકફના ખ્યાલને યોગ્ય ગણાવતા કહ્યું કે ધાર્મિક દાન ફકત ઈસ્લામ પુરતુ સીમીત નથી. હિન્દુ ધર્મમાં પણ મોક્ષનો એક ખ્યાલ છે અને દાન તથા અન્ય ક્રિયા એ ધર્મનો મૂળ સિદ્ધાંત છે.
સુપ્રીમકોર્ટના ન્યાયમૂર્તિ ઓગસ્ટીન જયોર્જ મસીહ એ પણ ઈસાઈ ધર્મમાં પણ સ્વર્ગમાં જવાની એક ઈચ્છા ધરાવતા અનુયાયી હોય છે. આમ વકફને જે મિલ્કતો અપાય છે તેને યોગ્ય ગણાવવાની સાથે સર્વોચ્ચ અદાલતે ત્રણ જોગવાઈઓ પર હાલ સ્ટે આપ્યો છે.
જેમાં સર્વપ્રથમ વકફ બોર્ડના કુલ 11 સભ્યોમાં ત્રણથી વધુ ગેરમુસ્લીમ સભ્ય નહી હોય તે નિશ્ચિત કર્યુ છે. આ નિયમ રાજયોના વકફ બોર્ડને પણ લાગુ પડશે. આ ઉપરાંત સંશોધીત કાનૂનની એ જોગવાઈને પણ સ્ટે કરી છે કે વકફ બનાવવા માટે કોઈ વ્યક્તિ ઓછામાં ઓછા પાંચ વર્ષ સુધી ઈસ્લામનો અનુયાયી હોવો જરૂરી છે. સર્વોચ્ચ અદાલત જયાં સુધી રાજય સરકાર આ અંગે નિર્ણય નહી લે ત્યાં સુધી આ જોગવાઈ સ્થગીત રહેશે.
સર્વોચ્ચ અદાલતે આ ઉપરાંત ત્રીજી જોગવાઈને પણ હાલ સ્ટે કરી છે જેમાં રાજય સરકાર તરફથી નિર્ધારિત અધિકારીને એ અધિકાર આપવામાં આવ્યો હતો કે કોઈ વકફ સંપતિ એ સરકારી મિલ્કત પર અતિક્રમણ (દબાણ)થી બનાવાઈ છે કે કેમ, જો કે આ અંગે અદાલત જ આખરી નિર્ણય હશે તેવું જણાવ્યું હતું.
સર્વોચ્ચ અદાલત આ ઉપરાંત વકફ સંપતિને ડીનોટીફાઈ એટલે કે તે વકફની સંપતિ નથી તે જાહેર કરવાના સરકારના અધિકાર પર ચુકાદો મુલત્વી રાખ્યો છે. સંસદે મંજુર કરેલ ખરડા અને રાષ્ટ્રપતિની મંજુરીથી 5 એપ્રિલથી સંશોધીત ખરડો એ કાનૂન બની ગયો હતો પરંતુ હવે તેમાં સર્વોચ્ચ અદાલતે આપેલ સ્ટેથી જે તે જોગવાઈ અમલી રહેશે નહી અને સુપ્રીમકોર્ટ પોતાના અંતિમ ચુકાદામાં આખરી ચિત્ર સ્પષ્ટ કરશે.