New Delhi, તા. 15
ભારતમાં ચાલુ વર્ષે મેઘરાજાએ અનેક ભાગોમાં કહેર સજર્યો હતો અને વ્યાપક ખાનાખરાબી થઇ છે. તેવા સમયે ચોમાસાની વિદાયના દિવસોમાં હવામાનની અસામાન્ય ઘટના સર્જાય છે. નૈઋત્ય ચોમાસુ હિમાલયને પાર કરીને તિબેટ પહોંચી ગયું છે.
સામાન્ય રીતે ચોમાસાના ભેજને આગળ વધતા હિમાલય પર્વત રોકી દેતો હોય છે પરંતુ આ વખતે ચોમાસાનો ભેજ તિબેટ પહોંચ્યો છે. જેનાથી હવામાન વૈજ્ઞાનિકો નિષ્ણાંતો પણ સ્તબ્ધ બન્યા છે. આ ઘટના નવી કોઇ આફત સર્જશે કે કેમ તે વિષય અટકળો વ્યકત થવા લાગી છે. કલાયમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગના કારણે આ ઘટના બન્યાનું માનવામાં આવી રહ્યું છે.
સામાન્ય રીતે હિમાલય ચોમાસાના ભેજને રોકી દેતો હોય છે પરંતુ આ વખતે ઉપગ્રહ ઇમેજ પરથી એવું માલુમ પડયું છે કે ચોમાસાનો ભેજ તિબેટ સુધી પહોંચી ગયું છે. નૈઋત્ય ચોમાસુ ભારતમાં જુનથી સપ્ટેમ્બર સુધી વરસાદ વરસાવતું હોય છે. ભેજયુકત હવા અરબી સમુદ્ર તથા બંગાળની ખાડીમાંથી આવે છે.
હિમાલયની ઉંચી પર્વતમાળા સાથે ટકરાઇને ભારતમાં વરસાદ વરસાવે છે. હિમાલય પર્વત આ હવાઓને તિબેટ પહોંચતા રોકે છે જેના કારણે તિબેટમાં વાતાવરણ સુષ્ક રહેતું હોય છે. શિયાળા તથા વસંત ઋતુમાં વેસ્ટર્ન ડિર્સ્ટબન્સને કારણે થોડી હિમ વર્ષા થાય છે. બાકી કોઇ મોટા ફેરફાર થતા નથી.
પરંતુ આ વખતે સપ્ટેમ્બરના પહેલા સપ્તાહમાં જ વૈજ્ઞાનિકોએ સેટેલાઇટ ઇમેજ મારફત એમ નોંધ્યું હતું કે, ચોમાસાનો ભેજ હિમાલય પ્રદેશ, ઉતરાખંડ અને લદ્દાખ થઇને તિબેટ પહોંચી ગયો હતો.
વાડીયા ઇન્સ્ટીટયુટ ઓફ હિમાલય જિયોલોજીના નિષ્ણાંત મનીષ મહેતાએ કહ્યું કે, ઉપગ્રહ ઇમેજથી સાફ થઇ ગયું છે કે ચોમાસુ ભેજ હિમાલયને પાર કરીને તિબેટ સુધી પહોંચ્યો છે. આ એક અસામાન્ય હવામાનની ઘટના છે કારણ કે હિમાલય સામાન્ય રીતે ભેજને રોકતો હોય છે.
2025ના ચાલુ વર્ષમાં ચોમાસા દરમ્યાન 19 વેસ્ટર્ન ડિર્સ્ટબન્સ જોવા મળ્યા હતા જે સામાન્ય કરતા વધુ છે. ત્રણ વેસ્ટર્ન ડિર્સ્ટબન્સ તો ચાલુ સપ્ટેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહમાં જોવા મળ્યા હતા. વેસ્ટર્ન ડિર્સ્ટબન્સ સામાન્ય રીતે શિયાળાનો ઉદભવ કરે છે. પરંતુ આ વખતે ચોમાસા જ તેની સંખ્યા વધી ગઇ છે. આ વેસ્ટર્ન ડિર્સ્ટબન્સ ચોમાસાની ભેજયુકત હવાઓને હિમાલયને પાર લઇ ગઇ છે.
હવામાન વિભાગ પુનાના વૈજ્ઞાનિક રોકસી મેથ્યુએ વાતચીતમાં કહ્યું કે, વેસ્ટર્ન ડિર્સ્ટબન્સ તથા વાયુમંડળની નદી ચોમાસાના ભેજને હિમાલયથી આગળ લઇ જઇ શકે છે. આ ઘટના એટલી અસામાન્ય છે તેનું આંકડાકીય વિશ્લેષણ કરવૂં પડશે.
ગ્રીન હાઉસ ગેસના કારણે પૃથ્વીનું તાપમાન સતત વધી રહ્યું છે તેને કારણે હવામાનમાં ફેરફારો આવી રહ્યા છે. ગરમીના કારણે હિમાલય તથા તિબેટમાં બરફ ઘટી રહ્યો છે અને તેનાથી ભેજ પહોંચવાનો માર્ગ ખુલી શકે છે. તેજ પવન ભેજને ઉપર લઇ જાય છે પરિણામે વાદળ ફાટવાની ઘટનાઓ બનતી હોય છે.
કેટલા વૈજ્ઞાનિકોએ માનવું છે કે હિમાલયમાં અમુક ઓછી ઉંચાઇના માર્ગો મારફત હવા તિબેટ સુધી પહોંચી ગઇ હોય શકે છે. હિમાલયને પાર તિબેટ સુધી ભેજ પહોંચવાનો એક મોટો મૌસમી બદલાવ છે અને તેના ઘણા પ્રત્યાઘાતો જોવા મળી શકે છે. આ ઘટના સાબિત કરે છે કે ગ્લોબલ વોર્મિંગ હવામાનના મુળ માળખાને જ પ્રભાવિત કરીને બદલાવ સર્જી રહ્યું છે.
સદીઓથી હિમાલય ચોમાસાને રોકી રાખતો હતો. પરંતુ ચોમાસાનો ભેજ હિમાલયને પાર થઇ ગયો છે જે દક્ષિણ એશિયાના હવામાનમાં મોટો પ્રભાવ વેસ્ટર્ન ડિર્સ્ટબન્સની સંખ્યા વધવાને કારણે હિમાલયમાં ભારે વરસાદ, પુર અને વાદળ ફાટવાની ઘટનાઓ વધી હતી. ઉતરાખંડ, હિમાલય, કાશ્મીર જેવા રાજ્યોમાં વાદળ ફાટવાના સંખ્યાબંધ બનાવો બન્યા હતા તે ઉલ્લેખનીય છે.
વૈજ્ઞાનિકો સમગ્ર ઘટનાને અસામાન્ય ગણે છે અને લાંબાગાળા સુધી તેના પ્રભાવો માટે તૈયાર રહેવાની ચેતવણી આપવા લાગ્યા છે. જલવાયુ પરિવર્તનનો કાયમી પ્રભાવ બનશે કે કેમ તે પણ સવાલ ઉઠાવવામાં આવી રહ્યો છે.