New Delhi,તા.15
નાણાકીય વર્ષ 2024-25ના આવકવેરા રીટર્ન ભરવાની આજે અંતિમ તારીખ સમયે એક તરફ રીટર્ન ફાઈલ કરવા માટે ભારે ધસારો થયો છે તે સમયે આ રીટર્ન ફાઈલ કરવાની તા.30 સપ્ટેમ્બર સુધી વધારવામાં આવી હોવાના એક વાઈરલ થયેલા પત્રને આવકવેરા વિભાગે ફેક ગણાવ્યો છે અને રીટર્ન ફાઈલ કરવાની તારીખમાં કોઈ વધારો થયો નથી તેવી સ્પષ્ટતા કરી છે.
આવકવેરા ખાતાએ સાથોસાથ કરદાતાઓને સોશ્યલ મીડીયા પર વાઈરલ થતા અહેવાલો કરતા આવકવેરા ખાતાની સતાવાર વેબસાઈટ પર જ માહિતી લેવા સલાહ આપવામાં આવી છે. આ ઉપરાંત આવકવેરા વિભાગની 24ડ7 હેલ્પલાઈન પર જવા જણાવ્યું છે.
એટલું જ નહીં આવકવેરા ખાતાના સતાવાર એકસ હેન્ડલ પરની માહિતીને જ અનુસરવા ખાસ તાકીદ કરાઈ છે આ અગાઉ તા.14 સપ્ટેમ્બરની તારીખથી આવકવેરા રીટર્ન ફાઈલ કરવાની તારીખ લંબાવીને 30 સપ્ટેમ્બર કરવામાં આવી હોવાનું કમિશ્નર ઓફ ઈન્કમટેક્ષ મીડીયા એન્ડ ટેકનીકલ પોલીસીના નામથી એક પત્ર વાયરલ થયો હતો પરંતુ તે ફેક હોવાનો આવકવેરાએ જણાવ્યું છે.
એટલું જ નહીં આ તારીખ વધારા અંગે કોઈ નિર્ણય નહીં લેવાયો હોવાનું અને કરદાતાઓને નિયત સમય મર્યાદામાં રીટર્ન ફાઈલ કરવા જણાવાયું છે. બીજી તરફ છેલ્લા સમાચાર મુજબ આજે બપોર સુધીમાં 6 કરોડ રીટર્ન ફાઈલ થયા છે અને રાત્રીના 12 વાગ્યા સુધીમાં વધુ એક કરોડ રીટર્ન ફાઈલ થશે તેવી ધારણા છે.
જોકે રીટર્ન ફાઈલીંગ માટે જબરો ધસારો થવાથી આવકવેરા વિભાગની વેબસાઈટ પર ભારે દબાણ આવી ગયું છે દરમ્યાન આઈટી રીટર્નમાં હવે આજની તારીખ ચૂકયા બાદ વિલંબથી રીટર્ન ફાઈલ કરવાની એક ખાસ સુવિધામાં આવકવેરા વિભાગે તેને સંતોષ થાય તેવા કારણોથી આ વર્ષના અંત સુધીમાં રીટર્ન ફાઈલ કરવાની સુવિધા આપી છે.
જેમાં કરદાતાના ઘરમાં કોઈ મૃત્યુ અથવા તેના નિધન અત્યંત ગંભીર માંદગી જેવા કારણોમાં છુટછાટ મળશે પરંતુ આ માટે આવકવેરા વિભાગની વેબસાઈટ પર ખાસ સુવિધા આપવામાં આવી છે.