Rajkot, તા.15
રાજસ્થાનના અમુક ભાગો સહિત કેટલાક વિસ્તારોમાંથી ચોમાસુ પાછું ખેંચાવાની શરૂઆત થઇ છે પરંતુ સૌરાષ્ટ્ર- ગુજરાતમાં ફરી વખત મેઘ પધરામણી થવાની આગાહી જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઇ પટેલે કરી છે. ગુજરાત રીજીયનમાં આવતીકાલથી તથા સૌરાષ્ટ્રમાં ગુરૂવારથી વરસાદ વરસાવવાની સંભાવના છે. જોકે વરસાદનું પ્રમાણ હળવાથી મધ્યમ જ રહેવાની સંભાવના છે.
તેઓએ આજે વાતચીતમાં તા.16થી 23 સપ્ટેમ્બર સુધીની આગાહીમાં જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર માટે મુખ્યત્વે 18મી સપ્ટેમ્બરથી વરસાદ શરૂ થશે. ગુજરાત રીજીયનમાં 16 સપ્ટેમ્બરથી વરસાદના મંડાણ શકય છે. વરસાદ છુટો છવાયો, હળવા ઝાપટા અને મધ્યમ રહી શકે છે. 5થી 35 મીમી વરસાદ થવાની સંભાવના છે. સૌરાષ્ટ્ર-કચ્છ કરતા ગુજરાત રીજીયનમાં વરસાદની માત્રા વધુ હોઇ શકે છે.
તેમણે કહ્યું કે, નૈઋત્ય ચોમાસાની વિદાય ચાલુ થઇ ગઇ છે. વિદાય રેખા શ્રી ગંગાનગર, નાગોર, જોધપુર અને 25.5 ડિગ્રી નોર્થ, 30 ડિગ્રી ઇસ્ટ પરથી પસાર થાય છે. આગામી બે દિવસ દરમ્યાન રાજસ્થાનના વધારાના ભાગો તેમજ પંજાબ અને ગુજરાતના કેટલાક વિસ્તારોમાંથી ચોમાસુ પાછુ ખેંચાવાની પરિસ્થિતિ અનુકુળ છે.
હવામાનના પરિબળો વિશે તેમણે જણાવ્યું હતું કે, ઉત્તર તેલંગણા તથા આસપાસના વિદર્ભ પર સર્જાયેલું લોપ્રેશર નબળુ પડી ગયું છે. જોકે તેને સંલગ્ન અપરએર સાયકલોનિક સરકયુલેશન 4.5 કિ.મી.ની ઉંચાઇએ છે અને દક્ષિણ-પશ્ચિમ તરફ ઝુકાવ છે.
આ યુએસી ઉત્તર આંતરિક કર્ણાટક પરથી દક્ષિણ મહારાષ્ટ્ર કિનારા સુધી એક ટ્રફ 3.1 થી 4.5 કિ.મી. વચ્ચે યથાવત છે. એક યુએસી ઉત્તર પૂર્વ બાંગ્લાદેશ ઉપર 3.1 થી 5.8 કિ.મી. વચ્ચે યથાવત છે, એક અન્ય યુએસી મધ્ય આસામ ઉપર 3.1 કિ.મી.ની ઊંચાઈએ યથાવત છે.
પશ્ચિમી પવનમાં ટ્રફ અંદાજે 1.5 km ઉપર, આશરે Longitude 840E થી Latitude 230N ના ઉત્તરે સુધી યથાવત છે. એક યુએસી દક્ષિણ પૂર્વ બંગાળના ખાડી ઉપર 3.1 થી 5.8 કિ.મી. વચ્ચે યથાવત છે, પશ્ચિમ મધ્ય અને ઉત્તર પશ્ચિમ અરબ સાગર ઉપર 1.5 થી 5.8 કિ.મી. વચ્ચે એક યુએસી યથાવત છે, જે ઊંચાઈ સાથે દક્ષિણ તરફ ઝુકેલું છે.