Rajkot. તા.15
કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં તારે અમારી સોસાયટીમાં આવવું નહિ કહી ત્રિપુટીએ યુવાન પર હુમલો કર્યો હતો. ત્રણ માસ પૂર્વે શેરીમાં વાહન પાર્ક કરવા મામલે ઝગડો થયાં બાદ યુવાન તેનું મકાન ભાડે ચડાવી અન્ય સ્થળે ભાડેથી રહેવા ચાલ્યો ગયો હતો. દરમિયાન ગઈકાલે ઘરવખરીની વસ્તુઓ લેવા જતાં ત્રણ શખ્સોએ માથાના ભાગે છરી હુલાવી ધોકા વડે માર માર્યો હતો. જે અંગે આજીડેમ પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો.
બનાવ અંગે મૂળ ધારીના મોણવેલ ગામના વતની અને હાલ રાજકોટના કોઠારીયા રોડ પર શ્યામ પાર્કમાં રહેતા 18 વર્ષીય યુવાન દર્શનભાઈ છગનભાઈ મકવાણાએ આજીડેમ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે રમઝાન, સાહીલ અને પ્રવીણનું નામ આપી જણાવ્યું હતું કે, તે હાલ પરિવાર સાથે ભાડાના મકાનમાં રહે છે તથા કોઠારીયા સોલવન્ટ ગુજરાત હાઉસિંગ બોર્ડના ક્વાર્ટરમાં ઘરનું મકાન છે.
વધુમાં યુવાને જણાવ્યું હતું કે, ગઇકાલે રાત્રિના આઠ વાગ્યે તે ભાડાના મકાનથી કોઠારીયા સોલવન્ટમાં આવેલ મકાનમાં ઘરવખરીની ચીજ વસ્તુ લેવા ગયેલ હતો. ત્યારે ત્યાં બાજુમાં રહેતો રમજાન તથા શાહીલે તારે અહીં અમારી સોસાયટીમાં આવવાનું જ નહીં તેમ કહી ગાળો આપી હતી. તેને ગાળો આપવાની ના પાડતા રમજાને તેની પાસે રહેલ છરી મને માથાના ભાગે મારી દીધેલ હતી. જયારે સાહિલે ઢીકાપાટુનો માર માર્યો હતો.
દરમિયાન પ્રવીણ તેના હાથમાં લાકડાનો ધોકો લઈને ધસી આવેલ હતો અને હાથના ભાગે ધોકા વડે મારવા લાગેલ હતો. જેના લીધે મને ડાબા હાથની કોણીના ભાગે મુંઢ ઇજા થયેલ હતી. બાદ મારથી બચવા હું ત્યાંથી ભાગી ગયો હતો અને બાદ મારા ભાઈ સંજયને મેં કોલ કરી બનાવની જાણ કરી હતી. જેથી મારો ભાઈ સંજય મારી પાસે આવેલ અને 108 એમ્બયુલન્સ બોલાવી સારવાર અર્થે મને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો.
યુવાને હોસ્પિટલના બિછાનેથી નોંધાવેલી ફરિયાદમાં બનાવનું કારણ જણાવતા કહ્યું હતું કે, ત્રણેક માસ પહેલા કોઠારીયા સોલવન્ટમાં અમારા ઘરના મકાનમાં રહેતા હતા. ત્યારે ગાડી પાર્ક કરવા બાબતે રમજાન સાથે બોલાચાલી થયેલ હતી. બાદ અમે તે ઘર બંધ કરી ભાડે રહેવા ગયેલ હતા. જે બાબતનો ખાર રાખી આ હુમલો કરવામાં આવ્યો હતો. બનાવને પગલે આજીડેમ પોલીસની ટીમે હુમલા સહીતની કલમો હેઠળ ગુનો નોંધી ત્રિપુટીની શોધખોળ હાથ ધરી હતી.