૧૯૯૨માં બે સંતાનોના સિંગલ મધર તરીકે કૌર ભારતથી અમેરિકામાં સ્થાયી થયા હતા
California, તા.૧૫
અમેરિકાના કેલિફોર્નિયા ઈસ્ટ બેમાં છેલ્લા ૩૩ વર્ષથી રહેતા શીખ વૃદ્ધિની અટકાયતને લઈને સમુદાયના લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે. ત્રણ દાયકાથી વધુ સમયથી યુએસમાં રહેતા આ વૃદ્ધાની યુએસ ઈમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ (આઇસીઈ)એ અટક કરી હતી. હરજીત કૌર ૧૯૯૨માં બે સંતાનોના સિંગલ મધર તરીકે ભારતથી અમેરિકા ગયા હતા. યુએસમાં હરક્યુલીસ વિસ્તારમાં તેઓ પંજાબી દાદી તરીકે વધુ જાણીતા બન્યા હતા.પંજાબી દાદીનો કોઈ ગુનાહિત ઈતિહાસ નથી તેમજ તેઓ તમામ નિયમોનું પાલન કરતા હોવા છતાં ૯ સપ્ટેમ્બરના રોજ સેન ફ્રાન્સિસ્કોમાં તેમની ધરપકડ કરાઈ હતી. કૌરની ધરપકડ બાદ કોન્ટ્રા કોસ્ટા કાઉન્ટીમાં અલ સોબ્રાંતે ખાતે લોકોના ટોળા એકત્રિત થયા હતા અને તેમણે ‘દાદીને મુક્ત કરો’ સહિતના સૂત્રો સાથે પોસ્ટર્સ દર્શાવી વિરોધ કર્યો હતો. કૌરને કસ્ટડીમાં લેવાતા શીખ સમાજ સહિત પ્રવાસી ભારતીયોએ પણ આક્રોશ વ્યક્ત કર્યો હતો. અલ સોબ્રાંતેમાં ગુરુદ્વારા નજીક આશરે ૨૦૦ લોકોનું ટોળું એકત્ર થયું હતું અને તેમણે દાદીને મુક્ત કરવા માગ કરી હતી.