કારમાં ધસી આવેલી ગુજરાતી અને હિન્દીભાષી ટોળકીએ બે વૃદ્ધોને લૂંટી લીધા’તા : બે ની ધરપકડ, બેની શોધખોળ
Rajkot,તા.15
શહેરમાં વૃદ્ધોને વાતોમાં વળગાવી લૂંટ આચરતી મદારી ગેંગના બે શખ્સોને ક્રાઈમ બ્રાન્ચની ટીમે સકંજામાં લઈ મુદ્દામાલ રીકવર કરવાં તજવીજ હાથ ધરી છે. જેમાં એક વાંકાનેર અને દેહગામનો શખ્સ હોવાનું સામે આવ્યું છે. જ્યારે અન્ય બે શખ્સોની શોધખોળ હાથ ધરવામાં આવી છે. સમગ્ર બનાવ પર એક નજર કરવામાં આવે તો અયોધ્યા ચોક પાસે આવેલ ડાયમંડ પાર્કમાં રહેતા પ્રફુલભાઈ નટવરલાલ વસાણી (હ.વ.૬૩) આજે સવારે આઠેક વાગ્યાની આસપાસ વોકિંગ કરવા માટે નીકળ્યા હતા ત્યારે ઘરથી થોડે આગળ પહોંચતા જ એક સફેદ કલરની નંબર પ્લેટ વગરની વેગન આર કાર તેમની પાસે આવીને ઊભી રહેલ હતી.
જે કારમાં સાધુ જેવા લાગતા ત્રણ શખ્સો બેસેલા હતા. જેઓએ પ્રફુલભાઈને અટકાવીને હિન્દી ભાષામાં વાત કરતા પૂછ્યું હતું કે, હમ લોગ પ્રયાગરાજ કી ઓર સે આ રહે હે, ઓર હમે નજદીક મે કહી પે આશ્રમ હો તો વહા વિશ્રામ કરના હૈ, જેથી પ્રફુલભાઈ જણાવ્યું હતું કે, અહીં આશ્રમ તો નથી પણ માધાપર ચોકડી નજીક જામનગર રોડ પર એક ગૌશાળા આવેલ છે, પરંતુ તે સાધુ જેવા લાગતા શખ્સોએ કહ્યું હતું કે, હમે તો આશ્રમ પે હી જાના હૈ, જે વાતચીત દરમિયાન સાધુઓએ તેમનો ખરાબ ઈરાદો પાર પાડવા પ્રફુલભાઈ સાથે થોડી અંગત વાતો ચાલુ કરી હતી.
સાધુએ તેમની પાસે પ્રથમ ઘડિયાળ બાદમાં મોબાઈલ માંગતા તેઓએ ઘડિયાળ અને મોબાઈલ આપી હતી. જેમાં સાધુઓએ તેમને પહેરે સોનાનો ચેન અને વીંટી જોવા માટે માંગ્યા હતા. જે પણ પ્રફુલભાઈ આપતા તેઓએ તે દાગીના પોતાના હાથમાં આવતા જ આરોપીઓએ પોતાની ગાડી ભગાડી મૂકી હતી જે બાદ પ્રફુલભાઈ તુરંત જ ગાંધીગ્રામ પોલીસ મથકે પહોંચી બનાવની જાણ કરી હતી.
તેમજ બીજો બનાવ જંકશન પોલીસ ચોકી પાસે આવેલ ઓમ સુઝુકીના શોરૂમ પાસે બન્યો હતો. જેમાં રેલનગરમાં આવેલ શિવમ પાર્ક શેરી નંબર પાંચમાં રહેતા પ્રીતમદાસ લાલચંદ ઘઘાડી (ઉ.વ.62) આજે વહેલી સવારે 7:30 વાગ્યાની આસપાસ પોતે વોકિંગમાં નીકળ્યા હતા ત્યારે તેઓ જંકશન પોલીસ ચોકી પાસે પહોંચતા જ એક સફેદ કલરની નંબર પ્લેટ વગરની વેગન આર કાર તેમની પાસે આવીને ઊભી રહી હતી.કારમાં રહેલ શખ્સોએ તેમને પ્રથમ રૂ.500 આપી તુમ બહુત બડે ભાગ્યશાલી વ્યક્તિ હો ઉસકા ગાય કો ચારા ડાલ દેના કહી ફસાવ્યા હતા. અને બાદમાં તેમને પહેરેલ ચાર ગ્રામની વીંટી જોવા માટે માંગી હતી. જે બાદ વૃધે તે વીંટી આરોપીઓને આપતા જ તે શખ્સો વીંટી લઈ નાસી છૂટ્યા હતા.ચોક્કસ બાતમીના આધારે મદારી ગેંગના બે સાગરીતોને પકડી પાડ્યા હતા. જેમાં એક શખ્સ વાંકાનેરનો અને બીજો દેહગામનો હોવાનું સામે આવ્યું છે. આરોપીઓ પાસેથી લૂંટ કરેલ મુદ્દામાલ કબજે કરવા તજવીજ હાથ ધરાઈ છે તેમજ આ ગુનામાં અન્ય બે શખ્સો પણ હોવાનું સામે આવતા તેની શોધખોળ યથાવત રખાય છે.