Rajkot,તા.15
શહેરમાં સ્પાના નામે મસાજના ઓઠા તળે ધમધમતા વધુ એક કુટણખાનાનો પર્દાફાશ થયો છે. મોટી ટાંકી ચોકમાં આવેલ એનો થાઈ સ્પામાં એએચટીયુ શાખાની ટીમે દરોડો પાડી ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી. જયારે સ્પામાંથી સિક્કિમ અને નાગાલેન્ડની નવ યુવતીઓ અને સાત ગ્રાહકો મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
પ્ર.નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ મોટી ટાંકી ચોક ખાતે પ્રતિભા કોમ્પલેક્ષ સ્થિત એનો થાઈ સ્પાના સંચાલક દ્વારા રૂપ લલનાઓ રાખી મસાજના ઓઠા તળે બહારથી ગ્રાહકો બોલાવી દેહ વ્યાપારનો ગોરખધંધો ચલાવવામાં આવે છે તેવી માહિતી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ(એએચટીયુ)ને મળી હતી. દ્વારા ડમી ગ્રાહકને જરૂરી સૂચના આપી સ્પામાં મોકલી વિગતોની ખરાઈ કરવામાં આવી હતી. જે વિગતો સાચી ઠરતા એએચટીયુની ટીમ દ્વારા એનો થઈ સ્પામાં દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાંથી એએચટીયુની ટીમે રિસેપ્શનિષ્ટ શિવનાથસિંહ રામભજનસિંહ ભદોરીયા, સ્પા સંચાલક પ્રવીણ રમેશભાઈ વોરા (રહે આંબેડકર નગર-1, 80 ફુટ રોડ, રાજકોટ) અને સ્પા માલિક નરેન્દ્રસિંહ ભૂપતસિંહ રાઠોડ (ઉવ 40 રહે. એરપોર્ટ રોડ, મારુતિનગર શેરી નંબર-5, રાજકોટ)ની ધરપકડ કરી હતી. જ્યારે સ્પામાં દરોડો પાડતા નાગાલેન્ડની છ અને સિક્કીની ત્રણ મળી કુલ નવ યુવતીઓ જયારે સાત ગ્રાહકો પણ ઝડપાયા હતા.
એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટમાંથી મળતી વિગત અનુસાર છેલ્લા બે વર્ષથી એનો થાઈ સ્પામાં મસાજના ઓઠા તળે હાઈ પ્રોફાઈલ કુટણખાનું ધમધમી રહ્યું હતું. જેમાં ગ્રાહક પાસેથી રૂ.4100 મેળવી તેમાંથી રૂ.3100 રૂપલલનાઓને આપતા હતા. જ્યારે અન્ય રૂ. 1000 પોતે રાખી લેતા હતા. ઉપરાંત એન્ટ્રી ફી તરીકે રૂ. 1500 અલગથી ઉઘરાવવામાં આવતા હતા. આમ પોતાના આર્થિક લાભ માટે બહારથી સ્ત્રીઓને બોલાવી દેહ વ્યાપારનો ગોરખધંધો કરવામાં આવતો હતો. પોલીસે રૂ. 14,600 રોકડા અને તથા ત્રણ મોબાઈલ મળી કુલ રૂ. 49,600 ના મુદ્દામાલ સાથે ત્રિપુટીની ધરપકડ કરવામાં આવી હતી.