Junagadh તા. ૧૫
જુનાગઢમાં વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદીના ૧૭ સપ્ટેમ્બરના રોજ ૭૫ મો જન્મદિવસ ૧૫ દિવસ સુધી જોશભેર ઉજવાશે. વડાપ્રધાનના જન્મદિવસથી લઇ તા. ૨ ઓક્ટોબર એમ ૧૫ દિવસ સુઘી સેવા પખવાડીયા અંતર્ગત વિવિધ સેવાકીય કાર્યોનુ આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ થકી ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા દેશભરમા નમો યુવા રનનું આયોજન કરવામાં આવી રહ્યુ છે. ગુજરાતમા પ્રદેશ પ્રમુખ તેમજ કેન્દ્રિય જળશક્તિમંત્રી સી.આર.પાટીલના નેતૃત્વમાં નમો યુવા રનનું આયોજન કરવામાં આવશે.
સમગ્ર દેશ ભરમાં ૧૦૦ સ્થાન પર નમો યુવા રનનું આયોજન કરવામાં આવશે. અને ગુજરાતમાં ૧૦ સ્થાન જેમા ૮ મહાનગર અને ૨ જિલ્લામાં મિનિ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવશે. નમો યુવા મેરેથોન દોડ નશા મુક્ત ભારત માટે, આત્મનિર્ભર ભારત અને વિકસીત ભારતના સંકલ્પ માટે યોજવામા આવી છે ત્યારે યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ ડૉ. પ્રશાંતભાઈ કોરાટ, ગુજરાત પ્રદેશ યુવા મોરચા ઉપાધ્યક્ષ અને જુનાગઢ મહાનગર યુવા મોરચાનાં પ્રભારી હાર્દિકસિંહ ડોડીયાની સુચના તથા ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગરનાં અધ્યક્ષ ગૌરવભાઇ રૂપારેલિયાનાં માર્ગદર્શન હેઠળ જુનાગઢ મહાનગર ખાતે પણ “નમો યુવા રન” યોજાશે.
આ માટે ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગર યુવા મોરચાનાં અધ્યક્ષ વિનસભાઇ હદવાણી, યુવા મોરચાનાં મહામંત્રી અને નમો યુવા રનનાં ઇન્ચાર્જ અભય રીબડીયા, સહ ઇન્ચાર્જ નિતીન સુખવાણી તથા હેમાંગ શાહે માહીતી આપતાં જણાવ્યું હતું કે, આગામી તારીખ ૨૧/૦૯/૨૦૨૫ નાં રોજ સવારે ૫:૪૫ કલાકે બહાઉદ્દીન કોલેજનાં ગ્રાઉન્ડથી મેરોથોનને લીલી ઝંડી આપવામાં આવશે. અને બહાઉદ્દીન કોલેજથી મોતીબાગ, ઝાંસીની રાણીનાં સ્ટેચ્યુથી પરત મોતીબાગ થઈને બહાઉદ્દીન કોલેજ ખાતે પુર્ણ થશે..
આ મેરેથોનમાં બહોળી સંખ્યામાં યુવાનો, વડીલો, બહેનો જોડાવાના હોય વ્યવસ્થાનાં ભાગરૂપે રજીસ્ટ્રેશન માટે એક ક્યુઆર કોડ લોન્ચ કરવામાં આવ્યો છે. જેથી જે લોકો આ મેરેથોનમાં જોડાવા માંગતા હોય તેઓએ વહેલી તકે ક્યુઆર કોડ દ્વારા રજીસ્ટ્રેશન કરાવવા માટે અપીલ કરવામાં આવી છે તેમ મિડિયા વિભાગ નાં સંજય પંડ્યાની યાદી જણાવે છે.