Surat,તા.૧૫
અમદાવાદના ઝવેરીવાડમાં આવેલી ‘બેરા જ્વેલ્સ’ શોપમાં થયેલી રૂ. ૧.૧૯ કરોડની જ્વેલરી ચોરીના કેસમાં મોટો ખુલાસો થયો છે. આ ચોરી કોઈ બાહ્ય વ્યક્તિએ નહીં, પરંતુ દુકાનમાં છેલ્લા ૧૫ દિવસથી કામ કરતો પટ્ટાવાળો શાહરુખદીન કમલુદ્દીન મીરે જ કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
આરોપી શાહરુખદીને દુકાનમાં કામ શરૂ કર્યા બાદ થોડા જ સમયમાં દુકાનની ચાવીઓ ક્યાં રાખવામાં આવે છે અને તિજોરી ક્યા સ્થળે છે તેની સંપૂર્ણ માહિતી મેળવી લીધી હતી. ૧૦ સપ્ટેમ્બરની મધરાત્રે, અન્ય કારીગરો ઊંઘમાં હતા ત્યારે તેણે પોતાની પાસે રહેલી ચાવીઓનો ઉપયોગ કરીને તિજોરી ખોલી અને સોના-ડાયમંડના દાગીના બેગમાં ભરીને નાસી છૂટ્યો હતો.
પોલીસને બાતમી મળી હતી કે શાહરુખદીન સુરતના સારોલી વિસ્તારમાં જોવા મળશે. તેના હાવભાવ અને કપડાંના વર્ણન આધારે પોલીસે કુંભારિયા ત્રણ રસ્તા પાસે છટકું ગોઠવીને તેને પકડી લીધો હતો.
આરોપી પાસેથી પોલીસે કુલ રૂ. ૧,૧૯,૮૫,૧૯૫ના મુદ્દામાલ સાથે કબજો કર્યો છે, જેમાં ૧૪૧૭.૭૭ ગ્રામ સોનાના દાગીના (કિંમત ૧,૧૭,૦૭,૯૮૪), ૬૯૭.૮૨ ગ્રામ ચાંદીના દાગીના (કિંમત ૧,૧૮,૨૧૧), બે મોબાઇલ ફોન (કિંમત ?૧૪,૦૦૦) સામેલ છે.
તપાસમાં ખુલ્યું છે કે શાહરુખદીન અગાઉ રાજકોટની એક જ્વેલરી દુકાનમાં પણ કામ કરી ચૂક્યો છે. પોલીસે શંકા વ્યક્ત કરી છે કે તેણે આ પ્રકારના ગુનાઓ અગાઉ પણ કર્યા હશે. વિશ્વાસ જીતીને ચોરી કરવાનો તેનો રીતસરનો પ્લોટ હતો, પરંતુ આ વખતે સુરત પોલીસની સક્રિયતાને કારણે તે ભાગી છૂટવામાં નિષ્ફળ રહ્યો છે.