સરકારી અધિકારીએ આ અંગે જણાવ્યું હતું કે, અમેરિકાના વાર્તાકાર અને નેગોશિએટર ભારત પહોંચી રહ્યા છે
New Delhi, તા.૧૫
ભારત અને અમેરિકા વચ્ચે ફરી વેપાર કરાર મુદ્દે ચર્ચાઓ શરૂ થવાની સંભાવના જોવા મળી છે. અમેરિકાના અધિકારીઓની ટીમ આજે ૧૫ સપ્ટેમ્બરે સોમવારે રાત્રે ભારત આવી રહ્યા છે. તેઓ ક્યાં મુદ્દે ચર્ચાઓ કરવાના છે, તેની હાલ કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
એક સરકારી અધિકારીએ આ અંગે જણાવ્યું હતું કે, અમેરિકાના વાર્તાકાર અને નેગોશિએટર ભારત પહોંચી રહ્યા છે. આવતીકાલે મંગળવારે ભારત અને અમેરિકા વચ્ચે વેપાર મુદ્દે ચર્ચા થવાની છે. ટ્રમ્પ દ્વારા ભારત પર લાદવામાં આવેલા ૫૦ ટકા ટેરિફ મુદ્દે પણ ચર્ચા થવાની સંભાવના જોવા મળી છે.
અમેરિકામાં ભારતના રાજદૂત વિનય મોહને અનેક અમેરિકન સાંસદો સાથે દ્વિપક્ષીય વેપાર સંબંધો મુદ્દે ચર્ચા કરી હતી. તેમણે ગત શુક્રવારે ટિ્વટરના માધ્યમથી આ અંગે માહિતી આપી હતી. પ્રતિનિધિ સભાના સભ્ય જેમ્સ મોયલાને ભારત-અમેરિકા વચ્ચે વેપાર કરાર અને ઉર્જા સહયોગમાં તાજેતરના ઘટનાક્રમો પર માહિતી આપવાની તક મળી હતી. તેમણે જણાવ્યું કે, અમે હિંદ-પેસેફિક ક્ષેત્રમાં અંગત હિતો મુદ્દે વિચારણા કરી છે. વાતચીત અને વ્યૂહનીતિના માધ્યમથી યુક્રેન સંઘર્ષના સમાધાન માટે ભારતના સમર્થનની વાતનો પુનરોચ્ચાર કરવામાં આવ્યો છે.
રશિયા પાસેથી ક્રૂડ ખરીદવા બદલ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર વધારાનો ૨૫ ટકા ટેરિફ લાદ્યો હતો. આ સાથે અમેરિકા ભારત પાસેથી ૫૦ ટકા ટેરિફ વસૂલે છે. આ ટેરિફના કારણે ભારત અને અમેરિકા વચ્ચે વેપાર તણાવ વધ્યો છે. બંને દેશો વચ્ચે ચાલી રહેલી ટ્રેડ ડીલ પણ અટવાઈ હતી. પરંતુ હવે ટ્રમ્પની ટીમની ભારત મુલાકાત વેપાર કરાર મુદ્દે સકારાત્મક સંકેતો આપી રહી છે. ઉલ્લેખનીય છે, કેન્દ્ર સરકાર દેશના ખેડૂતોના ભોગે અમેરિકા સાથે ટ્રેડ ડીલ કરવા માગતી નથી.
મીડિયા રિપોર્ટ અનુસાર, અમેરિકાએ રશિયા પાસેથી ક્રૂડ સહિત વેપાર કરતાં જી૭ દેશો વિરૂદ્ધ આકરૂ વલણ દર્શાવ્યું છે. અમેરિકાએ ભારપૂર્વક કહ્યું હતું કે, માત્ર એકીકૃત પ્રયાસથી જ મોસ્કોના યુદ્ધ મશીનને ફંડિંગ કરતા સ્રોત બંધ કરી શકાશે. અમેરિકાના નાણા મંત્રી સ્કૉટ બેસેન્ટ અને વેપાર પ્રતિનિધિ રાજદૂત જેમીસન ગ્રીરે શુક્રવારે જી૭ના નાણા મંત્રીઓ સાથે વાતચીત કરી ટ્રમ્પની અપીલ વિશે માહિતી આપી હતી.
ટ્રમ્પે આ દેશોને રશિયા સાથે ક્રૂડ વેપાર ન કરવા અપીલ કરી છે. તેમજ ક્રૂડ વેપાર કરનારા દેશો પર ટેરિફ લાદવાની ચીમકી પણ આપી છે.