New Delhi,તા.16
દેશમાં આવકવેરાના 2024/25ના નાણાકીય વર્ષ માટેના રિટર્ન ફાઈલ કરવાની ગઈકાલે અંતિમ દિને ભારે ધસારો થયા બાદ અને વારંવાર આઈટી પોર્ટલમાં રીટર્ન ફાઈલ કરવા લોગ-ઈનથી સબમીટ કરવામાં મુશ્કેલી પડી રહી હોવાની ફરિયાદ બાદ પણ એક જ દિવસમાં વધુ 1 કરોડથી વધુ રિટર્ન ફાઈલ થયા હતા અને રાત્રીના 12 વાગ્યાની ડેડલાઈન પુરી થતા કુલ 7 કરોડ રિટર્ન પુરા થયેલા નાણાકીય વર્ષ માટે ફાઈલ થયા હતા.
જો કે જે રીતે આવકવેરા પોર્ટલ ધીમુ ચાલે છે તથા વધુ લાખો લોકો હજુ રીટર્ન ભરવા માટેની કતારમાં છે તે નિશ્ચિત થતા જ આઈટી રિટર્ન ફાઈલ કરવાની મુદત 24 કલાક વધારવામાં આવી છે અને હવે આજે રાત્રીના 12 વાગ્યા સુધી નાણાકીય વર્ષ 2024/25ના આવકવેરા રિટર્ન ફાઈલ કરી શકાશે.
સામાન્ય રીતે દરેક નાણાકીય વર્ષમાં રિટર્ન ફાઈલ કરવાની અંતિમ તારીખ 31 જુલાઈ હોય છે પણ આ વર્ષે આઈટી રિટર્નમાં મોટા ફેરફાર હોવાથી વિલંબમાં આ અલગ અલગ રિટર્ન જાહેર થતા કરદાતાઓની સુવિધા માટે અગાઉથી જ રિટર્ન ફાઈલ કરવાની મુદત તા.31 જુલાઈ 2026થી વધારીને 15 સપ્ટેમ્બર 2025 કરવામાં આવી હતી. ગઈકાલે પુરો દિવસ આવકવેરા પોર્ટલ પર રિટર્ન સબમીટ કરવા માટે જબરો ધસારો થયો.
જેમાં વારંવાર પોર્ટલ ધીમુ ચાલતુ હોવાની પુરતા દસ્તાવેજ કે ડેટા અપલોડ થતા નહી હોવાની ફરિયાદ મળતી હતી અને એ પણ ચર્ચા હતી કે જે રીતે હજુ મોટી સંખ્યામાં રિટર્ન ફાઈલ કરવાના બાકી છે તે જોતા આવકવેરા વિભાગ રિટર્ન ફાઈલીંગની મુદત વધારશે. એક તબકકે તો એક ફેક લેટર પણ વાયરલ થયો. જેમાં 30 સપ્ટેમ્બર સુધી મુદત વધારાઈ હોવાનું આઈટીના બોગસ લેટરપેડના આધારે જણાવાયું હતું.
પરંતુ આઈટી વિભાગે તુર્તજ સ્પષ્ટતા કરી હતી કે આ વાયરલ પત્ર બનાવટી છે. જો કે રાત્રીના જે રીતે 7 કરોડ રિટર્ન ફાઈલ થયા બાદ પણ હજું વધુ ઓછામાં ઓછા 50-75 લાખ રિટર્ન ફાઈલ થઈ શકે છે તેવો અંદાજ મૂકાતા પહેલા ટેકનીકલ અપગ્રેડેશન માટે રાત્રીના 12થી 2.30 સુધી આઈટી પોર્ટલ બંધ કરાયુ હતું અને પછી 1 દિવસની મુદત વધારવામાં આવી છે.
અગાઉ ગત વર્ષ આ રીતે આખરી દિવસના અંતે 7.28 કરોડ રિટર્ન ફાઈલ થયા હતા જે રેકોર્ડ તૂટયા છે અને 7.30 કરોડ રિટર્ન ફાઈલ થયા છે અને આજે તે સંખ્યા 8 કરોડ સુધી પહોંચી શકે છે.
હવે આજે રાત્રીના 12 વાગ્યા સુધી કઈ વધારાની પેનલ્ટી વગર રિટર્ન ફાઈલ કરી શકાશે. ગઈકાલે આઈટી વિભાગની હેલ્પલાઈન સતત ચાલુ રહી હતી. સોશ્યલ મીડીયામાં પણ કરદાતાની ફરિયાદ પર તુર્તજ ઉકેલ અપાતો હતો પણ છેલ્લી ઘડીના ધસારાની કરદાતાની આદતના કારણે આ સમસ્યા સર્જાઈ હોવાનું આઈટી વર્તુળોએ જણાવ્યું હતું. હવે આજે નિયત સમય મર્યાદામાં આઈટી રિટર્ન ફાઈલ નહી કરાવાય તો રૂા.5000ના દંડ સાથે રિટર્ન ફાઈલ કરવાનું રહેશે.