New Delhi, તા.16
રેલવે મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે, દેશભરમાં રેલ્વે ટિકીટ બુકીંગ માટેની જે કોમ્પ્યુટરાઈઝ વ્યવસ્થા છે તેના ટાઈમીંગમાં કોઈ ફેરફાર કરાયો નથી. ખરેખર પ્રવાસ કરતા લોકોને ટિકીટ ઉપલબ્ધ બની રહે તે માટે રેલ્વેમાં બુકીંગ ખુલતા સમયે ટુંકા સમય માટે આધાર ઓથેન્ટીફીકેશન સીસ્ટમ મારફત જ રેલ્વે ટિકીટનું બુકીંગ થઈ શકશે.
સામાન્ય રીતે બુકીંગ વિન્ડો ખુલતા જ રેલ્વેના એજન્ટો મોટાપાયે ટિકીટ બુક કરાવી લે છે જેના કારણે સામાન્ય પ્રવાસીઓ જેઓ ટિકીટ મેળવવા ઈચ્છતા હોય છે તેઓને વેઈટીંગ લીસ્ટ અથવા તો નો રૂમ જેવી સ્થિતિનો સામનો કરવો પડે છે તે નિવારવા માટે તા.1 ઓકટોબરથી રેલ્વેનું ઓનલાઈન ટિકીટ બુકીંગ ઓપન થતા જ પ્રથમ પંદર મીનીટ માટે આધાર ઓથેન્ટીફીકેશન મારફત જ ટિકીટ બુકીંગ થઈ શકશે.
આ વ્યવસ્થા આઈઆરસીટીસી તથા તેના એપ્લીકેશન બંનેને લાગુ પડે છે. જેના કારણે સામાન્ય વ્યક્તિ પ્રથમ પંદર મીનીટમાં પોતાના આધારકાર્ડના આધારે રેલ્વે ટિકીટ બુક કરી શકશે. ત્યારે એજન્ટો માટે બુકીંગ ઓપનના 10 મીનીટ સુધી તેઓ ટિકીટ બુક ન કરાવી શકે તે નિયમ યથાવત છે અને તેના ટાઈમીંગમાં કોઈ ફેરફાર કરાયો નથી.
આમ બીજી વખત સરકારે એજન્ટો જે રીતે માસ બુકીંગ કરાવી લે છે અને પછી રેલ્વે ટિકીટના કાળાબજાર થાય છે તે ટાળવા માટે આધાર મારફત બુકીંગ સીસ્ટમને અમલી બનાવી છે. જૂન માસમાં જ આ નિયમ અમલી બનાવાયો હતો.
જુલાઈ માસથી આધાર મારફત ટિકીટ બુકીંગમાં વનટાઈમ પાસવર્ડ (ઓટીપી) મારફત ઓનલાઈન તત્કાલ ટિકીટ બુકીંગનો નિયમ બનાવાયો હતો. એટલું જ નહી એજન્ટો માટે પણ પીઆરએસ કાઉન્ટર પર આ ઓટીપી વ્યવસ્થા અમલી છે જેમાં જે તે બુકીંગ કરાવનારે પોતાના મોબાઈલ નંબર આપ્યો હોય તેના પર ઓટીપી આવે છે.