Nepal તા.15
નેપાળમાં ભડકેલી હિંસા બાદ ફરી એકવાર પરિસ્થિતિ સામાન્ય થવા જઈ રહી છે. લોકોએ ઓફિસે જવાનું શરૂ કરી દીધુ છે. તૂટેલી ફૂટેલી ઈમારતો અને ખરાબ પડેલા કોમ્પ્યુટરો વચ્ચે કર્મચારીઓએ મોરચો સંભાળ્યો છે. કાઠમંડુની મોટાભાગની ઓફિસો ખુલ્લી ગઈ છે. હિંસામાં લગભગ 72 જેટલા લોકોએ જીવ ગુમાવ્યા છે.
નેપાળમાં હિંસા દરમ્યાન મોટેભાગે પોલીસ સ્ટેશન અને સરકારી કચેરીઓ જ નિશાન બની હતી અનેક જરૂરી દસ્તાવેજોને ભીડે આગને હવાલે કરી દીધા હતા. આ સ્થિતિમાં કર્ફયુ હટયા બાદ રવિવાર બધા મંત્રાલય, બેન્ક અને સુપ્રિમ કોર્ટ ફરીથી ખુલ્લી ગયા છે.
હિંસા દરમ્યાન ભીડે સ્વાસ્થ્ય મંત્રાલયનાં કોમ્પ્યુટરોને એકઠા કરીને સળગાવી નાખ્યા હતા. દરવાજાની બહાર બધી કારોને સળગાવી નાખી હતી. સ્વાસ્થ્ય મંત્રાલયનાં ઉપસચીવ કપિલ તિમાલસેને જણાવ્યું હતુંકે હવે બધુ પાટે ચડાવવા અમારે રસ્તા શોધવા પડશે. નેપાળના વડાપ્રધાન સુશીલા કાર્કીએ જણાવ્યું હતું કે સરકાર ચલાવવા માટે નવી ગાડીઓ ખરીદવી પડશે.
હાલ તો સરકારી કર્મચારીઓ ઓફીસે આવે છે. પણ હાજરી પુરી અહીંતહીં ટાઈમ પાસ કરી ઘેર પાછા ફરે છે. કારણ કે કોમ્પ્યુટર અને દસ્તાવેજો વિના કર્મચારી ઈચ્છવા છતાં પણ કામ નથી કરી શકતા. વડાપ્રધાન સુશીલા કાર્કીએ પણ હજુ સુધી પોતાનાં મંત્રીમંડળની જાહેરાત નથી કરી પણ સંભવિત મંત્રી બનનારાઓને એ ડર સતાવે છે કે હવે મંત્રાલય કેવી રીતે ચાલશે.