Surendranagar તા.16
અગરિયાઓના ચુકાવા માથે રહ્યા તેવું સાંભળવા મળ્યું છે. બે વરસ પહેલા 70 પૈસા કિલો મીઠાનો ભાવ અગરિયાને હતો .તે ગયા વરસે ઘટીને માત્ર 40 પૈસા આસપાસ થયો.
તૌકત અને ઓખી વાવાઝોડાને કારણે દરિયાઈ વિસ્તારોમાં મીઠાના ઉત્પાદન ખોરવાતા તેજીનો પવન ફૂંકાયો. એ તેજીનો લાભ કચ્છના નાના રણને મળ્યો. સારા એવા ભાવ ઊંચકાયા. ક્યારેય રેલવેમાં આખું મીઠું છુટ્ટું નથી ગયું. અને માત્ર થેલામાં ભરીને જ ગયું છે. તેના બદલે બે વરસ પહેલા રેલવેના વેગનમાં આખું મીઠું છુટ્ટું ગયું.
આટલી બધી ગરાગી નીકળી . ચારે તરફ મીઠાની જરૂરિયાત વધતાં અગરિયાઓને સારા ભાવે સોદા થયા. અને એ તેજીના પીરીયડ દરમિયાન અગરિયાઓને સારા ભાવ પણ મળ્યા.
અંતે તેના પછીના વરસે અગરિયાઓના મીઠાના ભાવ સાવ તળિયે ગયા અને માત્ર 40 પૈસાની આસપાસ રહ્યા . અને વરસ પૂરું કરતાં તો ઘણાને આંખમાં પાણી આવી ગયા.
કારણકે મીઠાના ભાવ નક્કી કરવાની કોઈ સર્વમાન્ય પધ્ધતિ જેવું છે જ નહીં. અગરિયાઓના મીઠાના ભાવ કેવી રીતે નક્કી થાય છે અને કોણ નક્કી કરે એ મહત્વનું છે. મીનીમમ સપોર્ટિંગ પ્રાઈસ ( ટેકાના ભાવ) વગર પૂરતા ભાવ ન મળી શકે.
આ વરસે 10 પૈસા આસપાસનો વધારો થયો હોવાનું કહેવાય છે. ઘટાડો મોટો થાય અને વધારો નજીવો થાય એટલે એ વ્યવસાયમાં ટકી રહેવું અઘરું તો પડે જ… ક્રૂડ કે ડીઝલ વાપરતા હતા અને હવે સોલર વાપરતા થયા એટલે ડીઝલ ખર્ચની જે બચત થાય તે બચતનો લાભ તો અગરિયાને મળવો જોઈએ. તેના બદલે સોલર આવતા પડતર નીચું જતા ભાવ પણ નીચે જવા લાગ્યા છે. બીજી તરફ મોંઘવારી વિશે તો આપણે જાણીએ છીએ કે કેવી વધી રહી છે
એક વાત તો સમજાય છે કે સોલર આવવાથી પડતર નીચું ગયું તેની સામે રણમાં મીઠાના ભાવ પણ નીચા થતા જાય તો પછી જેને દિવસ રાત એક કરી અને મીઠું પકવ્યું અને સોલર વસાવી તેને શું લાભ?
છેલ્લા બે વરસમાં તળમાં બ્રાયન પૂરઝડપે ઘટ્યા હોવાનું અગરિયાઓનું તારણ છે. મીઠું પકવવા માટેનું તળમાં ખારું પાણી જેને બ્રાયન કહે છે તેનો પૂરઝડપે ઘટાડો થતો હોવાનું આ વખતે અગરિયાઓમાં ચર્ચાતો મુદ્દો બન્યો છે. અગરિયાઓ સાથે વાતો કરતા આવું કેમ થયું તેવું પૂછ્યું . તો તેઓનું તારણ છે કે સોલર ઉપર ઘણા બધા બોર ચાલે છે. સોલર આવ્યા પછી બોરમાં વધારો થયો હોવાનું અગરિયાઓ કહે છે. કારણકે તેમાં ડીઝલ વાપરવાનું થતું નથી. સુરજના પ્રકાશથી સોલર ચાલે છે.
પાણી આખો દિવસ તળમાંથી ઉલેચાયા કરે. સરવાળે તળમાં નવું પાણી ભેગું થાય તેના બદલે ઉલેચવાંનું વધી ગયું. એટલે મોટી ખેંચ વરતાય છે અને સરવાળે આખા વ્યવસાય ને કેટલાક વરસમાં લગભગ મૂર્છિત કરશે તેવું બનવા જોગ છે
પહેલા શું વ્યવસ્થા હતી
પહેલા કુવી ગાળી અને તેમાંથી પાણી ખેંચી અને મીઠાના ક્યારામાં ઠલવવામાં આવતું. જૂની પેઢી કૂવાને વિસામો આપતા . તેઓ કહેતા પાણીના ઝમા કે આવરા ને આવવા કૂવાને વિસામો આપવા બે ઘડી કે ચાર ઘડી કૂવામાંથી પાણી ખેંચવાનું રોકવું જરૂરી છે. જ્યારે આજે આ સમજણ ફરીથી લાવવી પડશે.
આ વરસની શું છે સ્થિતિ?
પ્રારંભિક સ્થિતિએ હાલ 10 પૈસાનો વધારો થયો છે ગયા વરસની સરખામણીએ.. એ વધશે કે સ્થિર રહેશે એ આગળ ખબર પડશે. જોકે મીઠાની નિકાસ તો ખૂબ સરસ છે. દરરોજ ખારાઘોડાથી એક માલગાડી ( રેક જેમાં અંદાજે 2500 મેટ્રિક ટન મીઠું હોય) લગભગ ભરાય છે. ટ્રક દ્વારા બાયરોડ નિકાસ થતું અલગ… હા, આ વખતે માઈગે્રશન કરી અને ગાંધીધામ તરફ જવાવાળાનું પ્રમાણ ફરી વધ્યું છે. જે છેલ્લા બે વરસમાં ઘટ્યું હતું.
શું છે આ સમસ્યાનો ઉકેલ?
અમારા મતે એક ઉકેલ દેખાય છે જે ઉકેલ વાજબી પણ લાગી રહ્યો છે
1. અગરિયાઓને માટે મીનીમમ ભાવ પ્રતિ કિલો 04 રૂપિયા આસપાસ કરવા ( 2025 ના વરસની સ્થિતિએ). પરંતુ તેની સામે એક અગરિયા પરિવાર (05 વ્યક્તિ નો) 500 મેટ્રિક ટન મીઠાથી વધુ મીઠું ન પકવી શકે તેવું નક્કી કરવું.
2. આવું કરવાથી ધારોકે બજારમાં અત્યારે જે મીઠું 20 રૂપિયા આસપાસ વેચાય છે તે કદાચ 24 રૂપિયા આસપાસ મળતું થશે. તેનાથી મીઠું વાપરનારાને કોઈ બજેટમાં ફેરફાર થવાનો નથી
3. અગરિયાઓને પણ ફાયદો થશે અને રણને પણ ફાયદો થશે…. આવું કરવાથી જમીનના તળિયામાંથી બ્રાયન ને ઉલેચવાનું ઘટી જશે એટલે એ સમસ્યાનું મહદ અંશે નિવારણ આવશે. બીજી તરફ અગરિયાઓની આવકમાં પણ મોટો વધારો થશે. 4. અત્યારે દેશમાં અંદાજે સાડા ત્રણ કરોડ મેટ્રિક ટન મીઠાનું ઉત્પાદન છે જે દેશની જરૂર કરતા પણ વધારે છે. જ્યારે કચ્છના નાના રણમાં મીઠાનું ઉત્પાદન માંડ 30 થી 35 લાખ મેટ્રિક્ટન છે.
એક બીજો રસ્તો…
સ્વ. સનતભાઇ મહેતાએ અગરિયાઓને સાથે રાખી માળિયા દરિયાના ભરતીના પાણી કેનાલ મારફત ખારાઘોડા , ઝીંઝુવાડા અને કૂડા રણ સુધી પહોંચાડવાની યોજના માટે ખાસ કામ કર્યું છે. એ વાતને સ્વીકારી દરિયાની ભરતીના પાણી પહોચાડવા ઉપર નક્કર કામ થાય તો એ પણ આવકાર દાયક છે.