કુલ 219 સ્થળોએ આરોગ્ય કેમ્પ, બ્લડ ડોનેશન સહિતનો લાભ લેવા નાગરિકોને અનુરોધવેરાવળ
Gir Somnath,તા.16
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના 75 મા જન્મ દિવસ તા. 17 સપ્ટેમ્બરના રોજ ગુજરાત સહિત સમગ્ર દેશમાં સ્વસ્થ નારી, સશક્ત પરિવાર અભિયાનનો પ્રારંભ થશે. જે અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં પણ મહિલા કેન્દ્રિત વિવિધ આરોગ્ય વિષયક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
આ અભિયાન અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં પણ સ્પેશ્યાલિસ્ટ કેમ્પ અને સ્ક્રીનિંગ કેમ્પ નું આયોજન કરીને મહિલા સહિત નાગરિકોને આરોગ્ય સેવા ઓનો લાભ આપવામાં આવશે. કલેક્ટર એન.વી.ઉપાધ્યાય અને જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર ની ઉપસ્થિતિમાં પ્રાંત ઓફીસ વેરાવળ ખાતેથી આ અભિયાન પત્રકારોને માહિતગાર કરવામાં આવ્યા હતા.
કલેક્ટર એ જણાવ્યું હતું કે, 17 સપ્ટેમ્બરથી 2 ઓકટોબર, સુધી સ્વસ્થ નારી, સશક્ત પરિવાર અભિયાન ચલાવવામાં આવશે. ગીર સોમનાથ જિલ્લાના પેટા આરોગ્ય કેન્દ્ર-આયુષ્માન આરોગ્ય મંદિર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, શહેરી પ્રાથામિક આરોગ્ય કેન્દ્ર, શહેરી આયુષ્માન આરોગ્ય મંદિર, સામુહિક આરોગ્ય કેન્દ્રમાં નિષ્ણાંતો દ્વારા મહિલાઓ સહિત નાગરિકોને સ્વાસ્થ્ય સંબંધી સેવાઓનો બહોળો લાભ આપવામાં આવશે.કલેકટર એ જણાવ્યું હતું કે, મહિલા પરિવારની કરોડરજ્જુ છે, જો મહિલા સશક્ત હશે તો સમગ્ર પરિવાર સશક્ત બનશે.
આ હેતુને ધ્યાનમાં રાખીને 17 સપ્ટેમ્બરના રોજ વેરાવળ નગરપાલિકા કોમ્યુનિટી હોલ ખાતે જિલ્લા કક્ષાના કાર્યક્રમ થી આ અભિયાનની શરૂઆત થશે. તેમજ તા.18 ના રોજ સીમર તેમજ તા.20 ના રોજ તાલાળા અને તા.23ના રોજ સુત્રાપાડાના સામુહિક આરોગ્ય કેન્દ્ર સહિત અલગ અલગ તારીખે જિલ્લાના કુલ 219 સ્થળોએ આરોગ્ય કેમ્પ યોજાશે. આ કેમ્પના બે અઠવાડિયા દરમિયાન મંગળ, બુધ અને શુક્ર એમ ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના ગાયનેકોલોજીસ્ટ, પીડિયાટ્રિશ્યન, ફિઝિશિયન તેમજ સર્જન સહિતના તજજ્ઞો ગ્રામ્ય સ્તરે પણ પોતાની સેવાઓ પૂરી પાડશે.
બ્લડ ડોનેશન કેમ્પ અંગે તેમણે જણાવ્યું હતું કે, તા.16 સપ્ટેમ્બરના રોજ ઉનામાં વરસીંગપુર ખાતે યોગ કેન્દ્રમાં અને કોડીનાર ની નાલંદા સ્કૂલ ખાતે તેમજ તા.17 ના રોજ પ્રશ્નાવડા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સવારે 8.00 કલાકેથી બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવશે. આરોગ્ય સેવાના આ પખવાડિયામાં જિલ્લાની પ્રત્યેક મહિલા ઓ પરિવારજનો સહિત મોટી સંખ્યામાં કેમ્પનો લાભ લે એ માટે કલેક્ટર એ અનુરોધ કર્યો હતો.