Mehsana,તા.૭
શહેરના રેલવે સ્ટેશન વિસ્તારમાંથી નશાની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સે બાતમીના આધારે રૂપિયા ૬ લાખ ૧૪ હજારથી વધુની કિંમતનો ૨૦૪.૮૬ ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. અમદાવાદ ઝોન અને ગાંધીનગર ઝોનની બંને ટીમો દ્વારા સાથે મળીને આ સંયુક્ત કાર્યવાહી કરવામાં આવી હતી.
પોલીસ વિભાગ તરફથી આવેલા સત્તાવાર નિવેદન મુજબ, પોલીસને બાતમી મળી હતી કે, મહેસાણાના રેલવે સ્ટેશન વિસ્તારમાં એમડી ડ્રગ્સની હેરાફેરી થઈ રહી છે. બાતમી મળતા જ રેલવે સ્ટેશન વિસ્તારમાં પોલીસ દ્વારા સઘન સર્વેલન્સ અને પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. દરમિયાન મળેલી વિશ્વાસનીય બાતમીના આધારે શંકાસ્પદ ઈસમોની હિલચાલ પર નજર રાખીને કાર્યવાહી કરવામાં આવી હતી.
પોલીસની ટીમે ગેરકાયદેસર રીતે એમડી ડ્રગ્સની હેરાફેરી કરતા બે આરોપીઓને ઝડપી પાડીને એનડીપીએસ એક્ટ હેઠળ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. એક આરોપીનું નામ ભીખારામ દીપારામ સિહોલ (બિશ્નોઈ) છે, જ્યારે બીજા આરોપીનું નામ સૂરજ માંગુસિંગ રાજપૂરોહિત છે. આરોપી સૂરજ અમદાવાદનો રહેવાસી છે, જોકે તેનું મૂળ વતન રાજસ્થાન છે. જ્યારે અન્ય આરોપી ભીખારામ પણ મૂળ રાજસ્થાનનો રહેવાસી છે.
એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સની અમદાવાદ અને ગાંધીનગર ઝોનની ટીમ દ્વારા મહેસાણામાં સંયુક્ત કાર્યવાહી કરવામાં આવી હતી.એએનટીએફ ગાંધીનગર ઝોન અને સીઆઇડી ક્રાઈમના હેડ કોન્સ્ટેબલ કીરણભાઈ સોમાભાઈ આ કેસમાં ફરિયાદી બન્યા છે. આરોપીઓ પાસેથી ૬ લાખ ૧૪ હજારથી વધુની કિંમતનું ૨૦૪.૮૬ ગ્રામ એમડી ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. આ ઉપરાંત એક કાર અને ત્રણ મોબાઈલ ફોન સહિત કૂલ ૧૧ લાખ ૩૪ હજાર રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. બંને આરોપીઓને વધુ તપાસ માટે અમદાવાદ એન્ટી ટાસ્ક ફોર્સને સોંપવામાં આવ્યા છે.

