Rajkot તા.16
રાજકોટના પોપટપરાનો મિહિર કુંગશીયા ફરી નકલી પોલીસ બનીને મોરબીના યુવાન પાસેથી રૂ.12 હજાર પડાવી લેતાં ફરીયાદ નોંધાઈ હતી. યુવાન બસપોર્ટ નજીક લારી પર જમવા બેઠો ત્યારે ઘસી આવેલ બે શખ્સોએ અમે પોલીસ સ્ટેશન ડી-સ્ટાફમાંથી આવીએ છીએ, તુ અમારી સાથે બેસી જા કહીં ગલીમાં લઇ જઈ ફડાકા મારી રૂ.12 હજાર પડાવી લઈ ધમકી આપી નાસી છૂટ્યા હતાં. બનાવ અંગે એ.ડિવિઝન પોલીસે ગુનો નોંધી મિહિર કુંગશીયા અને સંદિપ નામના શખ્સને દબોચી આકરી સરભરા કરી હતી.
બનાવ અંગે મોરબીમાં શનાળા રોડ પર ભક્તિનગર સોસાયટી શેરી નં.03 માં રહેતાં દક્ષીતભાઈ દિનેશભાઈ ઘીયા (ઉ.વ.35) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે મિહિર ભનુ કુંગશીયા (રહે. પોપટપરા શેરી નં.5, રામજી મંદિર પાસે) નું નામ આપતાં એ.ડિવિઝન પોલીસે બીએનએસ એકટ 115(2), 308(2), 204 સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેઓ મોરબીમાં આવેલ પી. લાઇટ કંપનીમાં માર્કેટીંગની નોકરી કરે છે.ગઇ તા.08 ના રાજકોટના લીમડા ચોક સરોવર પોર્ટિંકો હોટલમાં કંપની મિટીંગ હોય જેથી તેઓ સવારમાં નવેક વાગ્યે રાજકોટ આવેલ અને લીમડા ચોક પાસે સરોવર પોર્ટીકો હોટલમાં કંપનીની મીટીંગમાં ગયેલ અને સાંજના સાડા સાતેક વાગ્યે મીટીંગ પુરી થયે મોરબી જવા માટે રાજકોટ બસ સ્ટેન્ડ ખાતે ગયેલ હતાં.
મોરબી જવા માટેની બસ રાત્રે નવ વાગ્યે હોય જેથી બસ સ્ટેન્ડથી બહાર નીકળી આરએમસી ચોક ખાતે બાલાજી લારીએ જમવા માટે ગયેલ અને લારીએ ટેબલ પર બેસી જમવા માટે ઓડર આપેલ ત્યારે એક નંબર પ્લેટ વગરનુ એકસેસ લઈને બે શખ્સો ઘસી આવેલ અને કહેલ કે, અમે પોલીસ સ્ટેશન ડી-સ્ટાફમાંથી આવીએ છીએ, તુ અમારી સાથે બેસી જા, જેથી તે બન્ને શખ્સોને પુછેલ કે, શેના માટે. તો તેમાથી એક શખ્સે કહેલ કે, પોલીસ સ્ટેશન ચાલ પછી તને કઉં તેમ કહી બન્ને શખ્સોએ તેમને પકડીને એકસેસમા વચ્ચે બેસાડી દિધેલ અને ચાલુ સ્કુટરે યુવાનના ઉપરના ખિસ્સામાં રહેલ બન્ને ફોન તથા પેંટના ખિસ્સામાં રહેલ પાકીટ કાઢી લીધેલ હતું.
બાદમાં યુવાનને પેલેસ રોડ આશાપુરા મંદીર સામે ધવલ જવેલર્સ વાળી શેરીમા અંદર લઈ ગયેલ ત્યા જઈ મોબાઈલનો પાસવર્ડ માંગેલ જેથી તેને પાસવર્ડ દેવાની ના પાડતા એક ફડાકો મારી મારેલ હતો. જેથી તે ગભરાઇ ગયેલ અને તેમને મોબાઇલનો પાસવર્ડ આપેલ હતો. ત્યારબાદ આરોપીઓએ મોબાઇલમા બેંકની એપમાં બેલેન્સ ચેક કરેલ અને ખાતામાં રૂ.2571 હતા જેથી તે બન્ને શખ્સોએ યુવાન પાસે પચાસ હજારની માંગણી કરેલ.
જેથી તેને કહેલ કે, મારી પાસે આટલા રૂપીયાની સગવડ થાય તેમ નથી. જેથી આરોપીએ કહેલ કે, તો દસ હજાર બિજા પાસેથી મંગાવી લેવાનું કહેતાં યુવાને તેના મિત્ર તેજસ જોષીને ફોન કરી રૂ.10 હજાર ઉછીના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવેલ હતાં. બાદ તે બન્ને શખ્સો યુવાનને ગલ્લીમાંથી એક એ.ટી.એમ. પર લઈ ગયેલ અને ત્યાં એ.ટી.એમ. કાર્ડથી રૂ.12 હજાર ઉપાડેલ અને તેમને આપી દિધેલ હતાં.
ત્યારબાદ બન્ને શખ્સો તેમને એકસેસમા વચ્ચે બેસાડી અને રસ્તામા યુવાનનું પાકીટ તથા બન્ને મોબાઈલ આપી દિધેલ અને બસ સ્ટેન્ડની પાછળ અંધારી ગલીમાં ઉતારી કહેલ કે, હવે આગળ કયારેય અહી દેખાતો નહી અને આ બાભતે કોઈને વાત કરીશ તો મારી મારીને તોડી નાખીશું તેમ કહી બન્ને શખ્સો એકસેસ લઇને નાસી છૂટ્યા હતાં.
બનાવ અંગેની ફરિયાદ પરથી એ.ડિવિઝન પોલીસે ગુનો નોંધી પીઆઈ બી.વી.બોરીસાગરની રાહબરીમાં પીએસઆઈ એસ.એન.રાણા અને ટીમે તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ ધારાભાઈ વાનરિયા સહિતના સ્ટાફને મળેલ ચોક્કસ બાતમીના આધારે મિહિર ભનુ કુગસિયા અને તેની સાથેના સંદીપ નામના શખ્સને દબોચી લઈ તમામ રૂપિયા 12000 રિકવર કરી આકરી સરભરા કરી હતી.
ઉલ્લેખનીય છે કે, આરોપી મિહિર કુંગશીયાએ અગાઉ એ.ડિવિઝન અને ગોંડલ પોલીસ મથક વિસ્તારમાં આ જ મોડસ ઓપરેન્ડીથી ખોટી પોલીસની ઓળખ આપી લોકો પાસેથી રૂપીયા ખંખેરવાના ગુનામાં સંડોવાયેલો છે.