Rajkot,તા.16
રાજકોટ પશ્ચિમ વિસ્તારની 28 સોસાયટીઓમાં લાગુ કરાયેલ અશાંત ધારાની મુદત આગામી તા.12 જાન્યુ. 2026ના રોજ પૂર્ણ થઈ રહી હોય આ સોસાયટીઓમાં અશાંત ધારાની મુદત લંબાવવા સીટી પ્રાંત-1 અધિકારી ડો.ચાંદનીબેન પરમાર દ્વારા જીલ્લા કલેકટરને દરખાસ્ત મોકલી આપવામાં આવી છે.
રાજકોટ પશ્ચિમ વિસ્તારની છોટુનગર કો.ઓ.હા. સોસાયટી, નિરંજની સોસાયટી, આશુતોષ સોસાયટી, સિંચાઈનગર, આરાધના સોસાયટી, સ્વસ્તીક સોસાયટી, ઈન્કમટેક્ષ સોસાયટી, બેંક ઓફ બરોડા સોસાયટી, દિવ્યસિધ્ધી સોસાયટી, જીવનપ્રભા સોસાયટી, અંજની સોસાયટી, કૃષ્ણકુંજ સોસાયટી, સૌરભ સોસાયટી, રેસકોર્સ પાર્ક, વસુંધરા સોસાયટી, અવંતીકા પાર્ક, જનતા જનાદૅન સોસાયટી, જાગૃતિ શ્રમજીવી સોસાયટી, યોગેશ્વર પાર્ક, શ્રેયસ સોસાયટી, નવયુગ સોસાયટી, બજરંગવાડી, સુભાષનગર, ચુડાસમા પ્લોટ, નહેરૂનગર સોસાયટી, રાજનગર, અલ્કાપુરી સોસાયટી, સહિતના આ સોસાયટી વિસ્તારોમાં રાજય સરકાર દ્વારા ગત તા.13 જાન્યુ.2021ના રોજ અશાંત ધારો લાગુ કરી દેવામાં આવેલ હતો.
જેની મુદત આગામી તા.12 જાન્યુ. 2026ના રોજ પૂર્ણ થઈ રહી છે. આ પાંચ વર્ષની મુદત દરમ્યાન મિલકત વેચાણના અનેક દસ્તાવેજોને મંજૂરી આપી દેવામાં આવી છે તેમજ અનેક કેસો હજુ પોલીસ તંત્રમાં પેન્ડીંગ પડેલ હોવાનું જાણવા મળ્યું છે. રાજકોટ પશ્ચિમ વિસ્તારની આ 28 સોસાયટીઓમાં અશાંત ધારાની મુદત પૂરી થાય તે પહેલા સીટી પ્રાંત-1 અધિકારી ડો.ચાંદનીબેન પરમાર દ્વારા આ સોસાયટી વિસ્તારોમાં અશાંત ધારાની મુદત લંબાવવા માટે જીલ્લા કલેકટર ડો.ઓમપ્રકાશને દરખાસ્ત મોકલી દેવામાં આવી છે.
કલેકટર દ્વારા આ દરખાસ્તનો અભ્યાસ કર્યા બાદ તેને રાજય સરકારમાં મોકલવામાં આવશે. ત્યારબાદ અશાંત ધારાની આ મુદત લંબાવવા અંગેનો નિર્ણય લેવામાં આવશે.0
છેલ્લા પાંચ વર્ષ દરમ્યાન રાજકોટ પશ્ચિમના જે વિસ્તારોમાં આ ધારો લાગુ છે તે વિસ્તારમાં મીલ્કત વેચાણના અનેક દસ્તાવેજોને આ કાયદા હેઠળ મંજૂરી આપી દેવામાં આવી છે તેમજ પોલીસ તંત્રમાં પણ આ અંગેના અનેક કેસો અભિપ્રાયના વાંકે પેન્ડીંગ પડેલ હોય જેના નિકાલની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.