શ્રી હરી ઓર્નામેન્ટના વેપારીની દુકાનમાંથી કામના પહેલા દિવસે જ કારીગર ૧૩૪૯.૩૩૦ ગ્રામ સોનું લઇ પલાઇન
Rajkot,તા.16
રાજકોટની સોની બજારમાંથી વધુ એકવાર બંગાળી કારીગર સોનુ ઉઠાવી ફરાર થઈ ગયાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. સોની બજારની ગોલ્ડન માર્કેટ પાસે શ્રી હરી ઓર્નામેન્ટ નામની સોનાના જવેલર્સની દુકાન ધરાવતા વેપારીને પશ્ચિમ બંગાળના કારીગરે રાત્રીના દુકાને આવી રૂ.૧.૦૧ કરોડનું ૧૩૪૯.૩૩૦ ગ્રામ સોનું ચોરી કરી લીધાની એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સોની વેપારીએ ફરિયાદ નોંધાવી છે.
ચોરીના બનાવમાં પ્રહલાદ પ્લોટ શેરી નં. ૨૫ દિગ્વીજય મેઇન રોડ પર રહેતા 63 વર્ષીય સોની વેપારી તરૂણભાઇ કનૈયાલાલ પાટડીયા દ્વારા એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે બંગાળી કારીગર સફિફુલ શેખનું નામ આપ્યું છે.
ગઇ તા.૨૭/૦૫/૨૦૨૫ ના રોજ સવારના જાહિદ મલીક ઉર્ફે રાજ નામનો કારીગર જે આઠ- નવ મહીનાથી કામ કરે છે અને તેનો જાણીતો સફિકુલ શેખ (રહે. પશ્વીમ બંગાળ) ને કામે રહેવુ હોય જેથી તેનું આધાર કાર્ડ માગેલ હતુ અને ત્યારે આ સફિકુલ શેખે કાલે પોતે પોતાનુ આધાર કાર્ડ આપવાનુ કહ્યું હતુ. ત્યારબાદ આ સફિકુલ શેખ વેપારીના જુના કારીગર રાજ સાથે કામ કરવા લાગી ગયેલ હતો અને બીજા દિવસે સવારે દશેક વાગ્યે વેપારીને જુના કારીગર રાજનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, રાત્રીના આશરે બે વાગ્યા સુધી અમે કામ કરતા હતા. બાદમાં દુકાન બંધ કરી દુકાનને તાળુ મારી અમો બધા રામનાથપરા શેરી નં-૪ માં રહેતા હોય ત્યા જતા રહ્યા હતા અને તા-૨૭/૦૫/૨૦૨૫૨૦૨૫ના રોજ સવારના મારી સાથે કામ કરવા આવેલ કારીગર સફીકુલ શેખ અમારા મકાનેથી રાત્રીના સમયે કોઇને કહ્યા વગર ચાવી લઇ અને આપણા કામ કરવાના સ્થળે ગયો હતો અને તમે અમને કામ કરવા માટે આપેલ સોનુ ૧૩૪૯.૩૩૦ ગ્રામ ૧૮ કેરેટનું સોનુ જે સોનીબજારમાં આર.એચ.જવેલર્સની પાછળ ગોલ્ડન માર્કેટ વાળી શેરી પહેલા માળે આપણા કામ કરવાના સ્થળે ટેબલના ખાનામાં રાખેલ હતુ જે અહિ આવી જોતા જોવા મળ્યું નથી. તે સોનુ આ સફિકુલ શેખ ચોરી કરી લઇને જતો રહ્યો છે જેથી તમો અહીં આવો તેમ વાત કરી હતી.
કારીગર બધાએ તપાસ કરતા કારીગર સફિકુલ શેખના કોઇ સગડ મળ્યા ન હતાં. જેથી વેપારીએ ફરીયાદ કરવાનુ નકક્કી કરતા આ જાહિદ મલીક ઉર્ફે રાજે કહ્યું હતું કે, આ સફીકુલ અમારા વતનનો હોય જેથી તેને અમારા સગા સબંધી દ્રારા શોધી થોડા સમયમા તમારૂ સોનું પરત અપાવી દઈશું તેમ વાત કરતા જે તે સમયે ફરિયાદ કરી ન હતી. બાદમાં અવાર નવાર જાહિદ મલીક ઉર્ફે રાજને પુછતા થોડા દીવસમા આ સફીકુલનો સંપર્ક થઇ જશે તેમ વાત કરતો હતો અને ઘણો સમય થવા છતા આ સફિકુલ શેખ પશ્વીમ બંગાળવાળાનો કોઇ સંપર્ક થયો ન હોય અને જાહિદ મલીક ઉર્ફે રાજે તપાસ કરતા આ સફીકુલ મળતો ન હોય જેથી અંતે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ નોંધાવી છે. બનાવને લઇ એ ડિવિઝનના પીઆઇ બી.વી.બોરીસાગરની રાહબરીમાં પીએસઆઇ બી.આર.સાવલીયા તથા ટીમે તપાસ હાથ ધરી છે.
સાથે સુતા કારીગરોને ઘેની પદાર્થ સુંઘાડી હાથફેરો કર્યો
વેપારીએ જણાવ્યું હતું કે, સફીકુલ રામાનાથપરામાં અન્ય કારીગર સાથે રૂમમાં હતો. ત્યારે તેની સાથે રહેલા રાજ સહિતના અન્ય ત્રણ કારીગરને તેણે કોઇપણ પ્રકારે ઘેની પ્રવાહી સુંઘાડી દીધું હતું. જેથી તેમની ઉંઘ મોડે સુધી ઉડી ન હતી.બાદમાં તે વેહલી સવારે પાંચેક વાગ્યે દુકાને આવી ચોરીના બનાવને અંજામ આપી રફુચક્કર થઇ ગયો હતો. એટલું જ નહીં ચોરીની આ ઘટના બાદ રૂમમાં સફીકુલના સામાનમાંથી ઘેની પદાર્થની ટયુબ પણ મળી આવી હતી.