વાહન અડી જવા મામલે ચાર શખ્સોએ યુવાનને આંતરી ધોકા-લાકડી સહિતના હથિયારો વડે માર માર્યો’તો
Rajkot,તા.16
શહેરના ગોંડલ રોડ પર વાહન અડી જવા મામલે કુખ્યાત ઇભલા આણી ટોળકીએ સરાજાહેર આતંક મચાવી યુવકને આંતરી ધોકા-લાકડી વડે માર મારી છરીના ઘા ઝીંકતા સારવાર અર્થે ખસેડાયો હતો. આ મામલે એ ડિવિઝન પોલીસના સ્ટાફે ટીમો બનાવી નામચીન ઇભલા આણી ટોળકીના ત્રણ સાગરીતોને અગાઉ ઝડપી લીધા બાદ હવે ઇભલાને પણ દબોચી લીધો હતો.
બનાવની વિગતો પર નજર કરવામાં આવે તો રામનગરમાં આવેલા લોધેશ્વર સોસાયટીમાં રહેતા રવિ ભીખુભાઈ જરીયા (ઉ.વ.૩૦) નામનો યુવક ગોંડલ રોડ ઉપરના પુલ પરથી વિજય પ્લોટ તરફ પોતાના સ્કુટરમાં જતો હતો. ત્યારે પાછળથી અજાણ્યા ઈસમે સ્કુટરને ઠોકર મારતા જેથી યુવકે જોઈને ચલાવવાનું કહેતા શખસે તેના અન્ય સાથી મિત્રોને બોલાવી યુવક સાથે બોલાચાલી કરી ધોકા અને લાકડી વડે માર મારી છરી વડે હુમલો કરતા જાહેર રોડ પર સન્નાટો વ્યાપી ગયો હતો. બનાવના પગલે લોકોના ટોળા ઉમટયા હતા અને હુમલાખોરો નાસી જતા ઈજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે સિવીલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.
બનાવ અંગેનો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થતા એ ડિવીઝન પોલીસે જયદીપ જરીયાની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. આ ઘટનામાં એ ડીવીઝન પોલોસ સ્ટાફે ટીમે ટિમો બનાવી સીસીટીવી ફુટેઝ ચકાસતા જુના મોરબી રોડ પર રહેતા નામચીન ઇભલો ઉર્ફે ઇબ્રાહિમ સહિતના શખ્સો હોવાનું જાણવા મળ્યું હતું.જેથી પોલીસે ઇભલાના સાગરીત ફિરોઝ કરીમ કાથરોટિયા(ઉ.૨૦),સલીમ કરીમભાઈ કાથરોટિયા(ઉ.૨૬) અને પરેશ રમેશભાઈ વાઘેલા (ઉ.૧૯)ની ધરપકડ કરી ત્રણેયને કાયદાનું ભાન કરાવ્યું હતું.જ્યારે નામચીન ઇભલાની પોલીસે શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન એ ડિવિઝન પોલીસ મથકના સર્વેલન્સ સ્કોડના કર્મચારીઓની બાતમીના આધારે કુખ્યાત ઈબ્રાહીમ ઉર્ફે ઇભલો કરીમભાઈ કાથરોટીયાને ત્રિકોણ બાગ નજીકથી દબોચી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.