ફરસાણની દુકાને તેલ ઉતરાવ્યા બાદ ચાર ડબ્બા રૈયા સ્મશાન નજીક આપી પૈસા લઇ જાવ કહી ફોન સ્વીચ ઓફ કરી દીધો
Rajkot,તા.16
શહેરના સાધુ વાસવાણી રોડ પર રહેતા વેપારીને સિંગતેલના ડબ્બાનો ઓર્ડર આપી ચીટરે 11 ડબ્બા કોઈ અજાણી વ્યક્તિની ફરસાણની દુકાન પાસે ઉતરાવ્યા હતા. બાદમાં વેપારી બાકીના ચાર ડબ્બા આ શખસને આપવા રૈયા પાસે જતા તે અહીં આવ્યો ન હોય શંકા જતા વેપારી ફરસાણની દુકાને જતા 11 ડબ્બા ગાયબ હતા.
સાધુ વાસવાણી રોડ પર જનકપુરી કોમ્પ્લેક્સ બ્લોક નંબર 5206 માં રહેતા તુષારભાઇ જેંતીલાલ કાંજિયા (ઉ.વ 41) દ્વારા યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે શૈલેષ ભાલોડીયાનું નામ આપ્યું છે. તુષારભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,
શૈલેષે કહ્યું હતું કે, 11 તેલના ડબ્બા રૈયા રોડ ઉપર આવેલ તુલસી સુપર માર્કેટ પહેલા મારી ફરસાણની દુકાન છે ત્યાં મૂકી દેજો બાકીના ચાર ડબ્બા હું રૈયા સ્મશાનની બાજુમાં રહું છું ત્યાં આવો એટલે હું તમને તેલના ડબ્બાના પૈસા આપી દઈશ તેવી ખાતરી આપી હતી.
આ શખસની વાત પર વિશ્વાસ કરી વેપારી 11 તેલના ડબ્બા તુલસી સુપર માર્કેટ પાસે ફરસાણની દુકાને મૂક્યા હતા અને બાદમાં રૈયા રોડ સ્મશાન પાસે જઈ શૈલેષભાઈને ફોન કરતા તેણે કહ્યું હતું કે, હું થોડીવારમાં આવું ટ્રાફિકમાં છું તેવા બહાના બતાવવા લાગ્યા હતા. જેથી વેપારીને શંકા જતા તુરંત જ ફરસાણની દુકાને જતા ત્યાં મુકેલા તેલના ડબ્બા જોવામાં આવ્યા ન હતા. ફરસાણની દુકાનવાળાને પૂછતા તેણે કહ્યું હતું કે, આ દુકાન મારી છે અને થોડા સમય પહેલા એક ભાઈ મારી પાસે આવ્યા હતા અને તેણે મને એવું કહ્યું હતું કે મારા તેલના ડબ્બા અહીં મૂકવા આવે છે. જેથી થોડાક સમય પૂરતા તેલના ડબ્બા અહીં ઉતારી દેજો તેવી વાત કરી તે ભાઈ ચાલ્યા ગયા હતા. બાદમાં ફરિયાદીએ જે નંબર પરથી ફોન આવ્યો હતો. તેને ફોન કરતા આ શૈલેષનો ફોન સ્વીચ ઓફ આવતો હતો. આમ વેપારી સાથે છેતરપિંડી કરી રૂપિયા 29,700 ની કિંમતના 11 સિંગતેલના ડબ્બા લઈ જઈ ઠગાઈ કરી હોય જે અંગે તેમણે ફરિયાદ નોંધાવી છે.