Surendaranagar ,તા.17
નવલાં નોંરતાના : ઝાલાવાડમાં નવરાત્રિ હવે આંગળીઓના વેઢે ગણી શકાય તેટલા દિવસો દુર છે. ત્યારે જિલ્લામાં નવરાત્રી યોજતા પાર્ટી પ્લોટમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. નવરાત્રી પર્વે ગરબે ઘુમવા ખેલૈયાઓમાં પણ અનેરો ઉત્સાહ છે. આવા સમયે કલરવ સેવા ટ્રસ્ટ દ્વારા શહેરના 80 ફુટ રોડ પર આવેલ જીનતાન ઉદ્યોગનગર ગ્રાઉન્ડ ખાતે રાત્રી બીફોર નવરાત્રીનું આયોજન કરાયુ હતુ.
જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ ટ્રેડીશનલ ડ્રેસ સાથે મોડી રાત સુધી ગરબે ઘુમી હતી. હાલ પ્લાસ્ટીકથી પ્રદુષણને થતા નુકશાનને અટકાવવા અને લોકોને આ બાબતે જાગૃત કરવા માટે પ્લાસ્ટીક મુકત સુરેન્દ્રનગરના સંદેશ સાથે મહિલાઓ ગરબે ઘુમી હતી.
જેમાં મહિલાઓ હાથમાં કાગળની થેલીઓ સાથે જોવા મળી હતી. આ પ્રસંગે કલરવ સંસ્થાના દેવયાનીબેન રાવલ, અમૃતાબેન રાવલ, છાયાબેન શુકલા, કિંજલબેન ભટ્ટ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. નવરાત્રી પર્વે પ્લાસ્ટીક મુકત સમાજના સંદેશ સાથે કરાયેલ ગરબાનું આયોજન શહેરીજનો માટે ધ્યાનાકર્ષક બન્યુ હતુ.