Mumbai,તા.17
ભારતીય ક્રિકેટ ટીમની જર્સીના નવા સ્પોન્સર જાહેર થયા છે. એપોલો ટાયર્સ હવે સત્તાવાર ધોરણે ટીમ ઈન્ડિયાની નવી જર્સી સ્પોન્સર બની છે. બીસીસીઆઈએ ડ્રીમ11ની સ્પોન્સરશીપ રદ કર્યા બાદ તે નવા સ્પોન્સરની શોધમાં હતી. જે હવે પૂર્ણ થઈ છે.
કેન્દ્ર સરકારે તમામ બેટિંગ એપ્સ પર પ્રતિબંધ લાદતાં બીસીસીઆઈએ ડ્રીમ11ની સ્પોન્સરશીપ ડીલ રદ કરી હતી. હાલમાં યોજાયેલી સ્પોન્સરશીપ ડીલની હરાજીમાં એપોલો ટાયર્સે બાજી મારી હતી. તેણે પ્રત્યેક મેચ માટે રૂ. 4.5 કરોડ આપવાની ઓફર મૂકી હતી. જે ડ્રીમ11 દ્વારા ફાળવવામાં આવતાં રૂ. 4 કરોડ કરતાં પણ વધુ છે. એપોલો ટાયર્સ 2027 સુધી જર્સી સ્પોન્સર તરીકે ભૂમિકા ભજવશે. આ નવી ડીલ બાદ ભારતીય ટીમની જર્સી પર Apollo Tyresનો લોગો જોવા મળશે.
એપોલો ટાયર્સની આ સ્પોન્સરશિપ ટીમ ઈન્ડિયાનું બ્રાન્ડિંગ કરશે, તેમજ પોતાની બ્રાન્ડ વેલ્યૂમાં પણ વધારો હાંસલ કરશે. હાલ ચાલી રહેલા એશિયા કપ 2025માં ટીમ ઈન્ડિયાની મેન્સ ટીમ સ્પોન્સર વિના રમી રહી છે. જ્યારે મહિલા ટીમ પણ ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ત્રણ મેચની સીરિઝ સ્પોન્સર વિના રમી રહી છે. ડ્રીમ 11 પર પ્રતિબંધ મૂકાતા તેને સ્પોન્સર પદેથી દૂર કરવામાં આવી હતી. ત્યારબાદ બીસીસીઆઈ નવા સ્પોન્સરની શોધમાં હતું.
બીસીસીઆઈએ 2 સપ્ટેમ્બરના રોજ જર્સી સ્પોન્સર માટે હરાજી લગાવવા એક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ જાહેર કર્યા હતા. જેમાં ગેમિંગ, બેટિંગ, ક્રિપ્ટો, અને તમાકુ કંપનીઓને સામેલ કરાઈ ન હતી. તદુપરાંત સ્પોર્ટ્સ ઈક્વિપમેન્ટ, વસ્ત્રો બનાવતી કંપનીઓ, બેન્કિંગ, ફાઈનાન્સિયલ કંપની, કોલ્ડ ડ્રિંક, પંખા, મિક્સર-ગ્રાઈન્ડર, લોક્સ અને ઈન્સ્યોરન્સ કંપનીઓને પણ હરાજી પ્રક્રિયાથી દૂર રાખવામાં આવી હતી. આ કંપનીઓને બાકાત રાખવા પાછળનું કારણ એ છે કે, આ તમામ પ્રોડક્ટ પહેલાંથી જ બીસીસીઆઈના બીજા સ્પોન્સર્સ તરીકે જોડાયેલા છે.