Gandhinagar,તા.૧૭
દેશભરમાં ચાલી રહેલી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રીવિઝન પ્રક્રિયાએ હાલ વિશાળ ચર્ચા જગાવી છે. ખાસ કરીને બિહારની મતદાર યાદી સુધારણા મુદ્દે ચાલી રહેલા વિવાદને પગલે સુપ્રીમ કોર્ટ સુધીમાં સુનાવણી થઈ રહી છે. આ વચ્ચે કેન્દ્રીય ચૂંટણી પંચે સમગ્ર દેશમાં મતદાર યાદીની ખરાઈ અને સુધારણા હાથ ધરવાનો નિર્ણય લીધો છે. તેના અનુસંધાને ગુજરાતમાં પણ વહીવટી તંત્ર સજ્જ બની ગયું છે.
બિનસત્તાવાર સૂત્રો અનુસાર રાજ્યભરના તમામ જિલ્લાઓમાં બુથ લેવલ ઓફિસરો (બીએલઓ) સાથે પ્રાથમિક સંપર્ક શરૂ થઈ ગયો છે. તેમને મતદાર યાદી ખરાઈની પ્રક્રિયા માટે તાલીમ આપવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આ બીએલઓ ઘરે ઘરે જઈને મતદારોની યાદીની ચકાસણી કરશે, નવા મતદારોને સામેલ કરશે અને જરૂરી સુધારણા નોંધાવશે. આ કામગીરી માટે રાજ્યના ૧૮૨ વિધાનસભા મતવિસ્તારને આવરી લેવામાં આવશે અને દરેક મતદાન કેન્દ્ર પર બીએલઓની નિમણૂક થશે.
હાલમાં ચૂંટણી પંચ દ્વારા સત્તાવાર કાર્યક્રમ જાહેર થયો નથી, પરંતુ જિલ્લા ચૂંટણી તંત્રે પ્રાથમિક સ્તરે તમામ જરૂરી તૈયારી શરૂ કરી દીધી છે. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીઓ દ્વારા આવનારા એક-બે દિવસમાં જિલ્લા ચૂંટણી અધિકારીઓની બેઠક ગાંધીનગરમાં બોલાવવામાં આવશે. આ બેઠકમાં સમગ્ર પ્રક્રિયા અંગે માર્ગદર્શન આપવામાં આવશે. સૂત્રોના મતે, મતદાર યાદી સુધારણા અભિયાન દિવાળી બાદ શરૂ થવાની શક્યતા છે. તે પહેલાં બીએલઓને તાલીમ આપવાનું કાર્ય પૂર્ણ કરાશે.
આગામી સુધારણામાં ૨૦૦૨ની મતદાર યાદી આધારરૂપ માનવામાં આવશે. જે મતદારોના નામ ૨૦૦૨ની યાદીમાં નોંધાયેલા છે, તેમને નાગરિક તરીકેના પુરાવાની જરૂર નહીં પડે. જો નામ નોંધાયેલું ન હોય તો મતદારોને ચૂંટણી પંચ દ્વારા માન્ય કરાયેલા ૧૧ દસ્તાવેજોમાંથી કોઈ એક પુરાવો રજૂ કરવો પડશે. આથી નવા મતદારોને યાદીમાં જોડવા અને ભૂલ સુધારવા વધુ સુવ્યવસ્થિત પદ્ધતિ અપનાવવામાં આવશે.
મતદાર યાદી ખરાઈની આ પ્રક્રિયા મહત્વપૂર્ણ હોવાથી તંત્ર કોઈ પણ પ્રકારની બેદરકારી ન રાખે તે માટે તજવીજમાં લાગી ગયું છે. રીટર્નિંગ ઓફિસરો દ્વારા બીએલઓને પ્રાથમિક માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. આવતા દિવસોમાં જિલ્લાવાર કાર્યશાળાઓ યોજીને તેમને તાલીમ આપવામાં આવશે, જેથી ઘરોમાં જઈને યાદીની ચોકસાઈ કરી શકે.
નોંધનીય છે કે, ગુજરાતમાં અંદાજે ૪.૫ કરોડથી વધુ મતદારો નોંધાયેલા છે. દરેક મતદારનું નામ સાચી રીતે યાદીમાં સામેલ થાય તે ચૂંટણી પંચ માટે પ્રાથમિકતા ગણાય છે. મતદાર યાદીમાં ત્રુટિ, બોગસ નામ કે પુનરાવર્તન જેવી ખામીઓ દૂર કરવામાં આવશે. સાથે જ જે લોકોનું નામ હટાઈ ગયું છે પરંતુ તેઓ યોગ્ય દસ્તાવેજ ધરાવે છે, તેમને ફરીથી યાદીમાં સામેલ કરવાની તક મળશે. ત્યારે ચૂંટણી પંચના વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા મુજબ, આ કામગીરી પૂર્ણ થયા બાદ જ આગામી ચૂંટણી માટે મતદાર યાદીનો અંતિમ આકાર નક્કી કરવામાં આવશે.