પુત્રના મોત પાછળ પત્ની જવાબદાર હોવાનો આરોપ મૂકી મારો દિકરો ગયો તેમ હવે તમારો દિકરો પણ જશે” કહી સોશિયલ મીડિયામાં વીડીયો મૂકી ધમકી આપી મોતને ઘાટ ઉતાર્યો
Rajkot ,તા.17
કોટડા સાગાણીના રામોદ ગામના યુવકની હત્યાના ગુનામાં જેલ હવાલે રહેલી બહેનની પૂર્વ સાસુએ ચાર્જશીટ બાદ કરેલી રેગ્યુલર જામીન અરજી અદાલતે ફગાવી દીધી છે.
આ કેસની હકિકત મુજબ કોટડા સાગાણીના રામોદ ગામે રહેતા ફરીયાદી દિલીપભાઈની પુત્રીના લગ્ન આરોપી સોનલબેન નારણભાઈ જાદવ (રહે. મોવૈયા, તા. ગોડલ)ના દિકરા અજય જાદવ સાથે થયા હતા. લગ્નના એકાદ વર્ષ બાદ જયશ્રીબેન અને તેના પતિ અજયભાઈ વચ્ચે અણબનાવ બનતા છુટાછેડા લીધા હતા. ત્યાર બાદ પણ બંને એકબીજા સાથે ફોનમા વાતો કરતા હતા. જે દરમિયાન અજયભાઈએ મોવીયા ગામે તેના ઘરે ગળેફાસો ખાઈ આપઘાત કર્યો હતો. મૃતક અજયભાઈના ફોનમાથી જયશ્રીબેન સાથે વાતચીત કર્યાના સ્ક્રિનશોટ મળતા અજયભાઈના માતા સોનલબેને પુત્રના મોત પાછળ જયશ્રીબેન જવાબદાર હોવાનો આરોપ મૂકી મારો દિકરો ગયો તેમ હવે તમારો દિકરો પણ જશે” એમ ઈન્સ્ટાગ્રામ આઈ.ડી. તથા ફેસબકમા વીડીયો મૂકી અવાર નવાર મારી નાખવાની ધમકીઓ આપતા હતા. ત્યારબાદ તા. ૧૮/૦૧/૨૦૨૫ ના સર ગામની સીમમા હાઈવે રોડ નજીક જયશ્રીબેનના ભાઈ ગીરીશની હત્યા થઈ હતી. જે અંગે મૃતકના પિતાએ આરોપી સોનલબેન વિરૂધ્ધ પોલીસ ફરીયાદ નોંધાવતા પોલીસે ધરપકડ કરી સોનલબેનને જેલ હવાલે કર્યા હતા. આરોપી સોનલબેને ચાર્જશીટ બાદ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. જે જામીન અરજી ચાલી જતા બંને પક્ષની રજુઆત બાદ આરોપીના બચાવ પક્ષે રોકાયેલા વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓ ધ્યાને લઇ એડી. સેશન્સ કોર્ટે આરોપી સોનલબેન જાદવની જામીન અરજી રદ કરતો હુકમ કર્યો છે.આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ પરાગ એન. શાહ રોકાયા હતા.