ચુડાના ખાંડીયા ગામનો યુવાન મોઢુકા જવા નીકળતા રસ્તામાં કાળનો ભેંટો
Vinchiya,તા.17
સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના ખાંડિયા ગામે રહેતો યુવાન બાઇક લઈને મોઢુકા જતો હતો. દરમિયાન વિંછીયાના દેવધરી મોઢુકા વચ્ચે છકડો રીક્ષા ચાલકે બાઇકને હડફેટે લેતા ગંભીર ઇજા થવાથી યુવાનનું મોત થયું હતું. બનાવ અંગે યુવાનના પિતાની ફરિયાદ પરથી વિંછીયા પોલીસે છકડો રીક્ષાચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. ચુડા તાલુકાના ખાંડિયા ગામે રહેતો જગદીશ કવાભાઈ જીલીયા(ઉ.વ 25) નામનો યુવાન ગઈકાલે બાઈક લઈને મોઢુકા ગામ તરફ જતો હતો ત્યારે દેવધરી મોઢુકા રોડ પર પાણીના સંપની પાસે છકડો રીક્ષાએ બાઈકને હડફેટ લેતા બાઈક ચાલક યુવાન જગદીશ ગંભીર રીતે ઘવાયો હતો. જેથી તેને સારવાર માટે વીંછિયા સરકારી હોસ્પિટલ ખસેડાતા અહીં સારવાર કારગત નીવડે તે પૂર્વે જ યુવાનનું મોત થયું હતું. બનાવના પગલે વિંછીયા પોલીસ એ જરૂરી કાર્યવાહી કરી હતી.
અકસ્માતના આ બનાવની વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, ચુડાના ખાંડીયા ગામે રહેતો જગદીશ ત્રણ ભાઈના પરિવારમાં મોટો હતો. તે ગઈકાલે ખાંડીયા ગામેથી મોઢુકા ગામ પાસે આવેલા નવાગામમાં ભેંસ જોવા માટે જતો હતો. ત્યારે દેવધરી મોઢુકા વચ્ચે છકડો રીક્ષા નંબર જીજે 4 વી 6001 ના ચાલકે તેને હડફેટે લેતા તેનું મોત થયું હતું. બનાવ અંગે મૃતકના પિતા કવાભાઈ કેહુભાઈ જીલીયા(ઉ.વ 49 રહે. ખાંડીયા) ની ફરિયાદ પરથી અકસ્માત સર્જી નાસી ગયેલા છકડો રીક્ષા ચાલક સામે વિંછીયા પોલીસે ગુનો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.