Mumbai તા.18
અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા છેવટે વ્યાજદરમાં 0.25 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે અને તેને પગલે ભારતીય શેરબજાર ઝુમી ઉઠયુ હતું. સેન્સેકસ 83000ની સપાટીને પાર કરી ગયો હતો. બીજી તરફ સોના-ચાંદી તથા રૂપિયામાં ઘટાડો નોંધાયો હતો.
અમેરિકન પ્રમુખ વ્યાજદર ઘટાડવા ફેડરલ રિઝર્વ પર પ્રચંડ દબાણ કરતા હતા. છેલ્લી પાંચ બેઠકોથી વ્યાજ ઘટાડવામાં આવ્યું ન હતું. ચાલુ વર્ષે પ્રથમવાર વ્યાજમાં ઘટાડો કરાયો છે અને હજુ બે વખત તે ઘટાડવાની શકયતા દર્શાવી છે. વ્યાજદર ઘટાડાના આ નિર્ણયથી ભારતીય શેરબજારમાં `તેજીનો તહેવાર’ શરૂ થઈ ગયો હોય તેમ આજે ઉછાળો નોંધાયો હતો.
ભારતીય શેરબજાર તેજીમાં ગેપથી ખુલ્યુ હતું અને તેજીના માર્ગે સતત આગળ દોડવા લાગ્યુ હતું. હેવીવેઈટથી માંડીને રોકડા સુધીના તમામ શેરોમાં ઉછાળો હતો. એચએફસીએલ, ઈન્ફોસીસ, એબી કેપીટલ, બેંક ઓફ બરોડા, ટીસીએસ, રીલાયન્સ, આઈસીઆઈસીઆઈ બેંક, કેનેરા બેંક, મધરસન સુમી, મારૂતી જેવા શેરોમાં ઉછાળો હતો. પેજ ઈન્ડસ્ટ્રીઝ, બજાજ ફાઈનાન્સ, ટાટા કેમીકલ્સ, હિન્દાલ્કો જેવા કેટલાંક નબળા હતા.
મુંબઈ શેરબજારનો સેન્સેકસ 312 પોઈન્ટના ઉછાળાથી 83006 હતો તે ઉંચામાં 83141 તથા નીચામાં 82920 હતો. નિફટી 82 પોઈન્ટ વધીને 25412 હતો તે ઉંચામાં 25448 તથા નીચામાં 25393 હતો.
બીજી તરફ સોનુ વધુ નબળુ થયુ હતું. કોમોડીટી એકસચેંજમાં 570 ઘટીને 109250 હતુ. ચાંદી 950ના ઘટાડાથી 126030 હતી. ડોલર સામે રૂપિયો 18 પૈસા તૂટયો હતો.