Vadodara,તા.18
લવ મેરેજના ચાર મહિના બાદ પતિ-પત્ની વચ્ચે છૂટાછેડાનો કેસ ચાલી રહ્યો હોય તેવામાં પતિએ પત્નીના ઘરે પહોંચી તમાશો કરતા પત્નીએ પતિ સહિત બે વ્યક્તિ સામે કપુરાઈ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
સોમા તળાવ વિસ્તારમાં રહેતી 21 વર્ષીય યુવતીએ ફરિયાદમાં કહ્યું હતું કે, 10 મહિના અગાઉ મેં અમારી સોસાયટીમાં રહેતા અક્ષય વિજયભાઈ જાદવ સાથે લવ મેરેજ કર્યા હતા. અને છેલ્લા છ મહિનાથી અમારી વચ્ચે છૂટાછેડા અંગેનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે. ગઈકાલે બપોરે અક્ષય મારા ઘરે આવ્યો હતો અને લોખંડના દરવાજાને જોરથી ખખડાવી રહ્યો હતો. તેની સાથે કોકિલાબેન નામની એક મહિલા આવી હતી. જે તેના મોબાઈલ ફોનમાં અમારી વિડિયોગ્રાફી કરી રહી હતી. અક્ષય મારી સાથે વાત કરવા માટે દબાણ કરતો હતો. અને ઘરના સભ્યોને ફોન કરી ગાળો કહી પરેશાન કરતો હતો. તથા લખાણ સાથેના સોશિયલ મીડિયા ઉપર મારા ફોટો શેર કર્યા છે. “જો તું મારી સાથે રહેવા નહીં આવે તો તને તારા ઘરના મોહલ્લામાં આવીને બદનામ કરીશ અને ઘરેથી લઈ જઈ મારી નાખીશ” તેવી ધમકી આપે છે. ઉક્ત ફરિયાદના આધારે પોલીસે અક્ષય અને કોકીલાબેન વિરુદ્ધ ધાકધમકી સહિતની કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.