Mumbai,તા.18
બોલિવૂડની એક્ટ્રેસ મલાઈકા અરોરા તેના હોટ અંદાજ અને ડાન્સ સિવાય કોઈ પણ મુદ્દે બિંદાસ અભિપ્રાય આપવા માટે જાણીતી છે. મલાઇકા તેની પર્સનલ લાઈફ અને રિલેશનશિપ અને ફેશનના મુદ્દે કોઈપણ જાતના ભય વગર પોતાની પ્રતિક્રિયા આપે છે. હવે ફરી એકવાર મલાઈકાએ જણાવ્યું કે કેવી રીતે તે ટ્રોલર્સનો સામનો કરે છે.
એક ઇન્ટરવ્યૂમાં મલાઈકાએ જણાવ્યું કે, ‘લોકો તમને હંમેશા કહેતા રહે છે કે તમે શું હોવા જોઈએ અને શું ન હોવા જોઈએ. લોકોએ તો મારી કારકિર્દીથી લઈને મારા કપડાં અને મારા સંબંધો દરેક બાબતમાં મને જજ કરી છે. પરંતુ, જે દિવસે મેં પોતાને સમજાવવાનું બંધ કરી દીધું, એ જ દિવસે મને સાચી આઝાદી મળી હોય તેવો અનુભવ થયો. મારી સૌથી મોટી શીખ એ છે કે માત્ર એ જ વાર્તા મહત્ત્વની છે, જે તમે તમારા માટે જાતે લખો છો.
મલાઈકાએ વધુમાં જણાવ્યું કે, ‘મેં મારી લાઈફ પોતાની શરતો મુજબ જીવી છે, પછી તે ફેશન હોય, ફિટનેસ હોય કે વ્યક્તિગત નિર્ણયો હોય. મારૂં માનવું છે કે સાચો આત્મવિશ્વાસ પોતાના પ્રત્યે ઈમાનદાર રહેવાથી આવે છે. હા, આત્મસંદેહ સ્વાભાવિક છે. પણ મારા માટે આત્મવિશ્વાસનો અર્થ મુશ્કેલીઓ હોવા છતાં પણ શાલીનતા સાથે આગળ વધવું એ છે.
મલાઈકા હંમેશા તેના સંબંધોને લઈને ચર્ચામાં આવે છે. વર્ષ 2017માં અરબાઝ ખાન સાથે છૂટાછેડા લીધા બાદ એક્ટર અર્જુન કપૂર સાથે મલાઈકાના રિલેશનશિપની ચર્ચા થવા લાગી. રિપોર્ટ પ્રમાણે બંનેએ અમુક વર્ષ સુધી એકબીજાને ડેટ કરતા રહ્યા, પણ ગયા વર્ષે મલાઇકાનું અર્જુન સાથે બ્રેકઅપ થઈ ગયું. અર્જુન સાથે રિલેશનશિપમાં હતી ત્યારે લોકોએ મલાઈકાને તેની ઉંમરને લઈને ટ્રોલ કરી હતી. જોકે મલાઇકા બિંદાસ રહી અને ખુલ્લેઆમ અર્જુન પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરતી રહી.