Dubai,તા.18
દુબઈમાં ગઈ કાલે રમાયેલા એશિયા કપની 10મી મેચમાં પાકિસ્તાને યજમાન યુએઈને 41 રનથી હરાવી સુપર-4 માટે ક્વોલિફાય કરી લીધું છે. જોકે, આ મેચ શરુઆતથી જ આકર્ષણનું કેન્દ્ર રહી હતી. શરુઆતમાં પાકિસ્તાનની ટીમ આ મેચ બોયકોટ કરવા માગતી હતી અને રમવાનો ઇન્કાર કરી દીધો હતો. ત્યારબાદ મેચ થશે કે નહીં તેને લઈને અસમંજસની સ્થિતિ પેદા થઈ હતી. જોકે PCB અને ICCના અધિકારીઓની બેઠક બાદ પાકિસ્તાનની ટીમ મેચ રમવા માટે રાજી થઈ હતી અને આ મેચ 1 કલાક મોડી ચાલુ થઈ હતી. બીજી તરફ આ મેચ દરમિયાન વધુ એક દુર્ઘટના પણ સર્જાઈ હતી. પાકિસ્તાની ફિલ્ડરનો થ્રો સીધો અમ્પાયરના માથામાં વાગ્યો હતો. આ ઘટના બાદ અમ્પાયરે ચાલુ મેચમાં મેદાન છોડવું પડ્યું અને અમ્પાયર પણ બદલવો પડ્યો હતો.
દુબઈમાં એશિયા કપ ગ્રૂપ Aમાં પાકિસ્તાન અને યુએઈ વચ્ચે મેચ દરમિયાન જ્યારે પાકિસ્તાની ફિલ્ડરનો થ્રો અમ્પાયર રુચિરા પલ્લિયાગુરુગેના માથામાં વાગ્યો ત્યારે રમત થોડી વાર માટે રોકવી પડી હતી. આ ઘટના યુએઈની ઇનિંગ્સના પાવરપ્લેની છેલ્લી ઓવર દરમિયાન બની હતી, જ્યારે બોલર તરફ થ્રો ફેંકવાના ચક્કરમાં બોલ અમ્પાયરના માથામાં વાગ્યો.
સેમ અયુબ બોલિંગ કરી રહ્યો હતો, તેણે તરત જ ચિંતા વ્યક્ત કરી. થોડીવાર પછી વધુ પાકિસ્તાની ખેલાડીઓ અમ્પાયર પાસે ગયા. અયુબે પલ્લિયાગુરુગેની ટોપી ઉતારી, અને 57 વર્ષીય પલ્લિયાગુરુગે પોતાના ડાબા કાનની આસપાસના ભાગને પકડેલો જોવા મળ્યો.