Mumbai,તા.18
ભારતીય જનતા પાર્ટીના સાંસદ અને અભિનેત્રી કંગના રણૌતને લઈને તમિલનાડુ કોંગ્રેસના વરિષ્ઠ નેતા કે.એસ.અલગિરિએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. અલગિરિએ કહ્યું કે જો કંગના તમિલનાડુની મુલાકાત લે, તો તેમને થપ્પડ મારી દેજો.
કોંગ્રેસના આ ભૂતપૂર્વ પ્રમુખે કંગના પર આરોપ મૂક્યો છે કે તેઓ અહંકારી છે અને બેજવાબદાર નિવેદનો આપે છે. તેમણે ચંદીગઢ એરપોર્ટ પર બનેલી થપ્પડની ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ ટિપ્પણી કંગનાના એક જૂના નિવેદનના સંદર્ભમાં કરવામાં આવી હતી, જેમાં કંગનાએ આરોપ લગાવ્યો હતો કે મહિલા કાર્યકરો વિરોધ પ્રદર્શનોમાં ભાગ લેવા માટે ₹100 લે છે. આ નિવેદનને લઈને સવાલ પૂછવામાં આવતાં અલગિરિએ આ વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી.
મીડિયા રિપોર્ટ અનુસાર, કોંગ્રેસ નેતાએ કહ્યું, ‘કંગના રણૌતે ઘણી વાર આવી વાહિયાત વાતો કરી છે. એક વખત જ્યારે તેઓ દિલ્હી એરપોર્ટ પર હતા, ત્યારે એક મહિલા CRPF કર્મચારીએ તેમને થપ્પડ મારી હતી અને કહ્યું હતું કે તેમણે અપમાનજનક નિવેદનો આપ્યા હોવાથી આ કર્યું. જ્યારે તેઓ આ તરફ આવે, ત્યારે તમારે આ વાત ભૂલ્યા વગર તેમને થપ્પડ મારવી જોઈએ.’
વર્ષ 2020માં કૃષિ કાયદાઓ વિરુદ્ધ થયેલા આંદોલન દરમિયાન કંગનાએ એક ટ્વીટ કર્યું હતું. તેમના પર 73 વર્ષીય મોહિન્દર કૌરનું અપમાન કરવાનો આરોપ લાગ્યો હતો. કંગનાએ કથિત રીતે ભૂલથી કૌરને શાહીન બાગના બિલ્કિસ બાનો સમજી લીધા હતા અને કહ્યું હતું કે આવી મહિલાઓ વિરોધ પ્રદર્શનમાં ₹100 લઈને ભાગ લે છે.