Rajkot,
રાજકોટ શહેરના નવા 150 ફૂટ રીંગ રોડ પર કોરાટ ચોક નજીક ગઈકાલે સાંજના સુમારે એક અત્યંત ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં કન્ટેનર ટ્રક પલટી જતાં મધ્યપ્રદેશના બે શ્રમિકોનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું જયારે અન્ય બે શ્રમિકોને ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બનાવને પગલે શાપર(વે.) પોલીસ મથકમાં કનેટનર ચાલક વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. અકસ્માતના કરુણ બનાવમાં ગોંડલના સ્વામિનારાયણ ગુરુકુળની સામે રહેતા મૂળ મધ્યપ્રદેશ જિલ્લાના ગ્વાલિયરના વતની શ્રમિક દિલીપભાઈ મુન્નાભાઈ આદિવાસીએ શાપર(વે.) પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં ટાટા કન્ટેનર ટ્રક જેના નંબર જીજે-03-બીઝેડ-7088 ના ચાલક ઉર્વીસ સંજયભાઈ રુદાતલાનું નામ આપતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
વધુમાં શ્રમિકે જણાવ્યું હતું કે, ગત તા. 17-09-2025 ના રોજ અમે પડધરી તાલુકાના હડમતીયા ગામે રેલવે સ્ટેશન પાસેથી ટાટા કન્ટેનર ટ્રક જેના નંબર જીજે-03-ઝેડ-7088 માં બોર કરવા માટેની મશીનરી ભરી ગોંડલ જવા માટે નીકળેલ હતા. આ કન્ટેનર ઉર્વીશભાઈ સંજયભાઈ રુદાતલા ચલાવતા હતા. જ્યારે હું અને સાહિલભાઈ બને આગળ કેબીનમાં બેઠા હતા અને મારા પિતા મુન્નાભાઈ, મામા પપ્પુભાઈ, ભાણેજ સુરેન્દ્ર તથા અજય એમ ચારેય લોકો કન્ટેનરની અંદર મશીનરી સાથે બેઠા હતા. અમારે ગોંડલ જવું હોય જેથી અમે રૂડા રીંગરોડ પરથી ગોંડલ તરફ જતા હતા. ફરિયાદીના જણાવ્યા અનુસાર સાંજના આશરે સાડા છ વાગ્યાની આસપાસ કોરાટ ચોક પહેલા નાયરા પેટ્રોલ પંપ પાસે પહોંચતા કન્ટેનર પલટી મારી જતા રોડ પરથી નીચે ખેતરમાં પડી ગયેલ હતું. જેમાં હું તથા ડ્રાઇવર ઉર્વીશભાઈ તેમજ સાહિલભાઈ આગળ કેબિનમાં બેઠા હોય અમે હેમખેમ બહાર નીકળી ગયેલ હતા. બાદ અમે કન્ટેનરનો પાછળનો દરવાજો ખોલી મારા પિતા મુન્નાભાઈ તથા મામા પપ્પુભાઈને બહાર કાઢેલ હતા. જ્યારે સુરેન્દર અને અજય કન્ટેનરમાં ભરેલ મશીનરીમાં દબાઈ ગયેલ હોય તેઓ બહાર નીકળી શક્યા ન હતા. આ અકસ્માતમાં મને, ઉર્વીશ તથા સાહિલને કોઈપણ જાતની ઈજા થયેલ ન હતી. જયારે પિતા મુન્નાભાઈને પગમાં અને પીઠમાં મૂઢ ઇજા, મામા પપ્પુભાઈને જમણા પગમાં ગોઠણથી ઉપરના ભાગે ગંભીર ઇજા થવાથી લોહી નીકળતું હતું. બાદ થોડી જ વારમાં રાહદારીઓ એકત્રિત થઈ જતા કોઈકે 108 એમ્બ્યુલન્સને ફોન કરતા હું મારા પિતા મુન્નાભાઈ અને મામા પપ્પુભાઈને લઇ સારવાર અર્થે રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો જયારે ઉર્વીશભાઈ અને સાહિલભાઈ બંને ઘટના સ્થળે જ રોકાયેલ હતા. સુરેન્દ્ર તથા અજય બંને કન્ટેનરમાં ભરેલ મશીનરીમાં દબાઈ ગયેલ હોય જેને બહાર કાઢી એમ્બ્યુલન્સમાં રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે લાવતા ગંભીર ઈજા થયેલ હતી. બંનેને સારવાર અર્થે ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે બંનેને મૃત જાહેર કરેલ હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, બનાવને પગલે શાપર(વે.) પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને બંને મૃતકોની લાશ મશીનરી નીચે દબાઈ ગઈ હોય મૃતદેહ બહાર કાઢવા ક્રેઈન બોલાવવાની ફરજ પડી હતી. બાદ ક્રેઈનની મદદથી મશીનરીને હટાવી બંને મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા અને સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.